આજવા રોડની સોસાયટીમાં બે મકાનના તાળાં તૂટ્યા, 5 લાખના ઉપરાંતના મુદ્દામાલની ચોરી

રામદેવનગર-1 સ્થિત રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા

MailVadodara.com - Locks-of-two-houses-in-Ajwa-Road-society-were-broken-valuables-worth-more-than-5-lakhs-were-stolen

- ભાવિ પુત્રવધૂ માટે બનાવેલા દાગીના તસ્કરો ચોરી જતાં મહિલા રડી પડી


શહેરના આજવા રોડ ઉપર આવેલ રામદેવનગર-1 સ્થિત રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. અને બે બંધ મકાનના તાળાં તોડી એક મકાનમાંથી રૂપિયા 5 લાખનો અને બીજા મકાનમાંથી રૂપિયા 25 હજાર રોકડ અને સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થઇ ગયા હતા. એકજ રાતમાં 8 નંબર અને 15 નંબરના મકાનના તાળાં તૂટતા સોસાયટીમાં ચકચાર મચી ગઇ હતી.


મળેલી માહિતી પ્રમાણે રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં મકાન નંબર-8 માં પ્રવિણભાઇ બાબુભાઇ રાવળ પત્ની મંજુલાબહેન સહિત પરિવારજનો સાથે રહે છે. મૂળ પંચમહાલ જિલ્લાના વતની પ્રવિણભાઇ રાવળ ગુરૂવારે પરિવાર સાથે શહેરના એલ એન્ડ ટી સર્કલ પાસે કુટુંબીના ઘરે ગયા હતા. અને ત્યાંજ રાત્રી રોકાઇ ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. અને મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી બેડરૂમમાં મૂકેલી તિજોરીમાંથી રૂપિયા 1 લાખ ઉપરાંત રોકડા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા 5 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.


મકાન માલિક પ્રવિણભાઇ રાવળે જણાવ્યું હતું કે, રાત્રે અમે અમારા કુટુંબીના ઘરમાં રોકાઇ ગયા હતા. દરમિયાન તસ્કરોએ અમારા મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં તિજોરીમાં મુકેલા રૂપિયા 1 લાખ ઉપરાંત રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા 5 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે બોપોદ પોલીસને જાણ કરવામાં આવી હતી.


મકાનમાંથી તમામ દાગીના ચોરી જતાં મંજુલાબહેન રાવળ રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે રાત્રે અમારા કુટુંબીના ઘરમાં રોકાઇ ગયા હતા. તેજ રાત્રે તસ્કરોએ અમારા મકાનમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા છે. આવતા વર્ષે મારા પુત્રના લગ્ન હોઇ, પુત્રવધૂ માટે દાગીના બનાવી રાખ્યા હતા. જે તમામ દાગીના તસ્કરો ચોરી કરી ગયા છે. આજે સવારે પાડોશીઓ દ્વારા ચોરીના બનાવની જાણ થતાં અમો દોડી આવ્યા હતા.


આ ઉપરાંત તેજ સોસાયટીમાં મકાન નંબર-15માં રહેતા આનંદભાઇ સોલંકી પરિવાર સાથે સુભાનપુરા ગયા હતા. અને સુભાનપુરામાંજ રોકાઇ ગયા હતા. દરમિયાન તેઓના મકાનના તોડી તસ્કરો ઘરની તિજોરીમાંથી રોકડા રૂપિયા 25 હજાર અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીના બનાવની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. અને ચોરીના બનાવ અંગે બાપોદ પોલીસને જાણ કરી હતી.

આજવા રોડ ઉપર આવેલ રામદેવનગર-1 સ્થિત રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં એકજ રાતમાં ચોરીના બનેલા બનાવોએ સોસાયટીમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવ અંગે બાપોદ પોલીસે મકાન માલિકો પાસેથી વિગતો મેળવી તપાસ શરૂ કરી છે. તે સાથે પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments