- સ્થાનિક કાઉન્સિલરો અને વોર્ડ ઓફિસમાં રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોએ નળના બદલે માટલાં સાથે રસ્તા પર ઉતરી તંત્ર સામે રોષ ઠાલવ્યો
શહેરના ગોરવા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. અનેક સોસાયટીઓમાં લોકો શૂદ્ધ પીવાના પાણી માટે હેરાન થઈ રહ્યા છે અને આ પ્રશ્નને લઈને અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, સ્થાનિકોએ નળના બદલે માટલાં સાથે રસ્તા પર ઉતરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ગોરવા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી પાણીની સમસ્યા છે. અનેક વખત સ્થાનિક કાઉન્સિલરો અને વોર્ડ ઓફિસમાં રજૂઆતો કરવા છતાં ઉકેલ આવતો નથી. ચૂંટણી સમયે નેતાઓ વોટ માંગવા માટે દરવાજા ખખડાવે છે, પરંતુ જ્યારે લોકો મુશ્કેલીમાં હોય ત્યારે તેઓ આવતા નથી. ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણીમાં મિક્સ થઈને આવી રહ્યું છે. પરિણામે લોકો બિમાર પડી રહ્યા છે. તંત્ર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે.
પાણીની સમસ્યા માત્ર ગોરવામાં જ નહીં, પરંતુ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ પાણીની સમસ્યા તીવ્ર બની છે. પાણીના પ્રશ્ને રહિશો વોર્ડ નં. 15ની કચેરીએ એકઠા થયા હતા અને તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. મોરચો લઇને આવેલા 'પાણી નહિ, તો વેરો નહિ' જેવા નારા લગાવીને તેમણે તંત્રને ચેતવણી ઉચ્ચારી હતી કે, જો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ મ્યુનિસિપલ ટેક્સ ભરવાનું બંધ કરી દેશે.
હાલ ઉનાળાની શરૂઆત જ થઈ છે અને પાણીની સમસ્યા શરૂ ગઈ છે. જો સમયસર ઉકેલ લાવવામાં નહીં આવે, તો ભર ઉનાળાનામાં સમસ્યા વધુ ગંભીર બનશે તેવી સ્થાનિકોએ દહેશત વ્યકત કરી છે.