- સ્થાનિક લોકોએ રૂમના માળીયામાં છુપાયેલા લૂંટારું યુવકને ઝડપી પાડ્યો
શહેરના ગોત્રી ગામમાં રહેતા 87 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસી વૃદ્ધાને બંધક બનાવીને સોનાની ચેઈન અને બંગડીઓ લૂંટવાનો પ્રયાસ કરનાર આરોપીને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને સોંપ્યો છે. લક્ષ્મીપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના ગોત્રી રોડ ગ્રીન વુડ્સમાં રહેતા સતિષભાઈ ભાનુપ્રસાદ પંડ્યા (ઉ.વ.55)એ પોલીસ સ્ટેશનમાં નોંધાવીને ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી માતા શાંતાબેન (ઉ.વ.87) બે વર્ષથી ગોત્રી ગામમાં આવેલા અમારા જુના મકાનમાં એકલા રહે છે. ગોત્રી ગામમાં રહેતા હિતેષ કાળીદાસ પરમારનો મારા ફોનમાં કોલ આવ્યો હતો અને મને કહ્યું હતું કે, તમારા ગોત્રી ગામના મકાનનો દરવાજો અંદરથી બંધ છે અને શાંતાબા અંદરથી બુમો પાડે છે, તો તમે જલદીથી આવો, જેથી હું મારી એક્ટીવા લઈને તુરંત જ મારા માતાના ઘરે ગયો હતો.
તે વખતે ફળીયાના બીજા લોકો પણ ભેગા થઈ ગયા હતા અને દરવાજો ખોલી નાંખ્યો હતો અને મેં ઘરમાં જઈને જોતા મારી માતા રડવા લાગી હતી અને મને કહ્યું હતું કે, કોઇ અજાણ્યો છોકરો ઘરમાં ઘુસી મને મોઢે રૂમાલ અને દોરી બાંધી ઢસડી અને છેલ્લા રૂમમાં લઈ ગયો હતો અને મારા ગળામાં પહેરેલી સોનાની ચેન તથા હાથમાં પહેરેલી સોનાની બે બંગડીઓ કાઢી લીધી છે અને મને ઢસડતા કોણી અને હોઠના ભાગે પણ લોહી નીકળ્યું છે.
ત્યાર બાદ ફળીયાના બીજા માણસો બુમો પાડવા લાગ્યા હતા કે, બાજુના રૂમમાં માળીયામાં એક છોકરો સંતાઈ ગયો છે. જેથી હું ત્યાં ગયો હતો અને અમારા ફળીયામાં રહેતા લોકોએ તેને નીચે ઊતર્યો હતો અને મે તેને જોતા અમારા ફળીયાના પાછળના ફળીયામાં રહેતા રણજીત ઉર્ફે રંગાનો છોકરો મીહિર હતો. ત્યાર બાદ તેના પેન્ટના ખીસ્સામાં જોતા મારી માતાની સોનાની તુટેલી ચેઇન તથા સોનાની બે બંગડીઓ મળી આવી હતી. તે દરમિયાન મારા મોટાભાઈ અતુલભાઈ આવી જતા તેઓએ 100 નંબર ઉપર ફોન કરતા પોલીસની ગાડી આવી ગઈ હતી અને પોલીસ મીહિરને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી. અમે આરોપી મીહિર પઢિયાર સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.