- માજી સરપંચ દર્પણ પટેલ દ્વારા કોર્પોરેશનના સત્તાધીશોને વારંવાર રજૂઆત છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી જેને લઇ લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો
વડોદરા કોર્પોરેશનની હદમાં ભાયલી ગામનો સમાવેશ થયા બાદ પણ યોગ્ય સુવિધા લોકોને મળતી નથી જે અંગે અવારનવાર ભાયલી ગામના રહીશો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી.
ભાયલી વિસ્તારમાંથી પસાર થતા વરસાદી કાંસમાં ગંદકી અને પ્લાસ્ટિક વેસ્ટને પગલે મચ્છરનો ઉપદ્રવ અને દુર્ગંધ ઉપરાંત પ્રદૂષિત વાતાવરણથી છુટકારો મેળવવા માજી સરપંચ દર્પણ પટેલનીની રજૂઆત છતાં કોર્પોરેશન દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવતી નથી જેને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. વડોદરા શહેરને અધિકારીઓએ સ્માર્ટ સિટીની ઓળખ તો આપી પરંતુ એક પણ સ્માર્ટ કામ થયા હોય તેવું નાગરિકોને દ્રશ્યમાન થતું નથી. ત્યારે બીજી તરફ વરસાદી પાણીના નિકાલ માટે વુડા દ્વારા જે તે સમયે બનાવવામાં આવેલ વરસાદી કાંસ ગંદકીથી ખદબદી રહી છે.
ભાયલી ગામ છેલ્લા પાંચ વર્ષથી વડોદરા શહેરમાં સમાવિષ્ટ થયું છે તેમ છતાં પ્રાથમિક સુવિધાના કામો થતા નથી વરસાદી કાંસની સમસ્યા જૈસે થે રહી છે. વરસાદી કાંસમાં ગંદકી અને પ્લાસ્ટિક વેસ્ટના સામ્રાજ્યને લઈ રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. કાંસની ગંદકીને પગલે મચ્છરનો ઉપદ્રવ અને ભારે દુર્ગંધનો સામનો રહીશોને કરવો પડી રહ્યો છે. માજી સરપંચ દર્પણ પટેલ દ્વારા કોર્પોરેશનના સત્તાધીશોને વારંવાર રજૂઆત છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી જેને લઇ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરી રહીશોને સમસ્યાથી છુટકારો આપવા કરવા માંગ કરી હતી.