- સુંદરમ અને રાધેશ્યામ સોસાયટીમાં અચાનક MGVCLનો જીવંત કેબલ વાયર તૂટી પડ્યો હતો, ઘટના સમયે રમતા ભૂલકાઓનો આબાદ બચાવ, સ્થાનિકોમાં આક્રોશ
વડોદરામાં જીઈબીનો જીવંત કેબલ વાયર ધડાકાભેર તૂટી પડયા બાદ આગ લાગતા નાસભાગના દૃશ્યો સર્જાયા હતા. અગાઉ સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવા છતાં તકલાદી કામગીરીના કારણે ફરી વખત કેબલ તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના સમયે બાળકો રમતા હતા અને સદનસીબે તેઓ ઉપર આ વીજ વાયર ન પડતા મોટી જાનહાનિ ટળી હતી.
વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી સુંદરમ અને રાધેશ્યામ સોસાયટીમાં ગતરાત્રીએ અચાનક MGVCLનો જીવંત કેબલ વાયર સ્પાર્ક સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. વીજ કેબલ લોકોના ઘર આંગણે તૂટી પડતા લોકોમાં ભારે ફફડાટ ફેલાતા પોતાના ઘરમાં કેદ થઈ ગયા હતા. વીજ કેબલ ધડાકાભેર નીચે તૂટી પડતા દિવાળી જેવો નજારો વીડિયોમાં દેખાઈ રહ્યો છે. આ ઘટનાને લઇ સોસાયટીમાં આવેલા મકાનોમાં અંધકાર ફેલાયો હતો. વીજ કેબલ વારંવાર તૂટી પડતા હોવાથી અનેક ફરિયાદ MGVCLને કરવામાં આવી હોવા છતાં તકલાદી કામગીરીના કારણે લોકો ભયના ઓથાર હેઠળ જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા હતા. વીજ વાયર તૂટતાં MGVCLની વધુ એક બેદરકારી સામે આવી હતી.
ઘટનાના દૃશ્યો જોતા લાગે કે, ફટાકડા ફૂટી તેવું ચિત્ર સામે આવ્યું હતું. કેબલ વાયર ઉપરથી નીચે લોકોના ઘર આંગણે પડ્યો હતો. જ્યારે નીચે કેબલ પડ્યા બાદ તેમાં આગ લાગી હતી. જોકે એક રહીશે હિંમત દાખવી તુરંત તેની પર રેતી નાખી દીધી હતી. સદનસીબે નીચે બેસેલા 8થી 10 ભૂલકાઓનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ આ ઘટના બાદ MGVCL સામે સોસાયટીના રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ અંગે પાણીગેટ જીઇબી સબ સ્ટેશન નાયબ ઇજનેર જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રે આ ઘટના બની હતી. ઓવટલોડ પાવરના કારણે આ ઘટના બની હતી. રાત્રે 12.30 કોલ મળ્યો હતો અને 4.30 રિપેરિંગ કામ કર્યું હતું. આ લાઇન LTABC પવાર સપ્લાયની લાઈન હતી. ઘટના અંગે માહિતી મળતા તાત્કાલિક સ્ટાફ પહોંચ્યો હતો અને 4 કલાકની મહેનત બાદ 45 મકાને તેની અસર થઈ હતી.