- જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપિયા 3.50 લાખની કિંમતનો દારૂ, ટ્રક, લાકડાના બોક્સ, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં દારૂની થતી રેલમછેલ અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સતત શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે એક્સપ્રેસ-વે ઉપરથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લાકડાના બોક્સની આડમાં લઇ જવાતો રૂપિયા 3.50 લાખનો દારૂનો જથ્થો મળી રૂપિયા 57 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકસભા-વિધાનસભાની પેટા ચૂંટણીઓને ધ્યાનમાં લઇને પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. જિલ્લામાં વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોડી રાત્રે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મંજુસર પોલીસની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક્સપ્રેસ હાઇવે ઉપરથી એક ટ્રકમાં દારૂનો જથ્થો જવાનો છે, તેવી માહિતી મળી હતી.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી માહિતીના આધારે એલ.સી.બી.ની ટીમ એક્સપ્રેસ-વે ઉપર આજોડ ગામની સીમમાં વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન માહિતીવાળી ટ્રક આવતા જ તેને રોકી હતી. તેમાં તપાસ કરતા બોક્સની આડમાં મુકેલી દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂ ભરેલી પેટીઓ સાથે ટ્રકને કબજે કરી હતી. તે સાથે ટ્રકચાલક અનીશ સીરદાર મેવ અને ક્લિનર સમયદ્દીન હનીફ મેવની ધરપકડ કરી હતી. પોલીસે દારૂની પેટીઓમાંથી 2045 નંગ બોટલો મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો લઇને ટ્રકમાં આવનાર ટ્રકચાલક અને ક્લિનરની પૂછપરછ કરતા તેઓએ આ દારૂનો જથ્થો મોકલનારનો પોલીસને મોબાઇલ નંબર આપ્યો હતો. પોલીસે રૂપિયા 3,50,000ની કિંમતનો દારૂ, ટ્રક, લાકડાના બોક્સ, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 57,03,105નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરમિયાન આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિનોદકુમારે મંજુસર પોલીસ મથકમાં અનીશ સીરદાર મેવ (મેવાતી) રહે. અલાપુર, રાજસ્થાન), ક્લિનર સમયદ્દીન હનીફ મેવ (મેવાતી) રહે. ખરખરા, રાજસ્થાન) સહિત દારુનો જથ્થો મોકલનાર શખ્સ વિરુદ્ધ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મંજુસર પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.