કરજણ ભરથાના ટોલનાકા પાસેથી અમદાવાદ લઈ જવાતો રૂપિયા 23 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

LCBને ટ્રકમાં તાડપત્રી નીચેથી ભારતીય બનાવટની દારૂની 465 પેટી મળી હતી

MailVadodara.com - Liquor-worth-Rs-23-lakh-was-seized-from-Karajan-Bharathas-toll-house-to-Ahmedabad

- LCB પોલીસે દારુ અને ટ્રક મળી કુલ 33.23 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ કરી, દારૂનો જથ્થો હરિયાણાથી લવાયો હતો


વડોદરા શહેર-જિલ્લામાંથી રોજેરોજ લાખો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો દારુનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, ત્યારે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે કરજણ હાઇવે ઉપર ભરથાણા ટોલનાકા પાસેથી અમદાવાદ બંધ બોડીની ટ્રકમાં લઈ જવાતો રૂપિયા 23 લાખની કિંમતનો દારૂ ભરેલ 465 પેટી દારૂ ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં પોલીસે દારુ અને ટ્રક મળી કુલ 33.23 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો હરિયાણાથી લાવવામાં આવી રહ્યો હતો. 

જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાત્રિના સમયે LCBનો સ્ટાફ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, દારૂ ભરેલી રાજસ્થાન પાસિંગની એક બંધ બોડીની ટ્રક ભરૂચથી વડોદરા તરફ આવી રહી છે. જે માહિતીના આધારે સ્ટાફને ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી દેવા સૂચના આપવામાં આવી હતી. જે સુચનાના પગલે સ્ટાફના જવાનો છૂટાછવાયા ટોલનાકા પાસે ગોઠવાઈ ગયા હતા.


ટ્રકની તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો આ દરમિયાન માહિતીવાળી ટ્રક આવી પહોંચતા વોચમાં ગોઠવેલી પોલીસે ટ્રકને રોકી હતી. ટ્રકને રોક્યા બાદ ડ્રાઇવરને સાથે રાખીને ટ્રકમાં તપાસ કરતા ઢાકેલી તાડપત્રી નીચેથી ભારતીય બનાવટની દારૂની 465 પેટી મળી આવી હતી. ટ્રકમાંથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ટ્રકનો કબજો અને ડ્રાઇવરની અટકાયત કરીને કરજણ પોલીસ મથકમાં લઈ ગઈ હતી. દારૂની પેટીઓમાંથી બોટલો ગણતા 9,948 નંગ દારૂની બોટલો મળી આવી હતી.


LCB પી.આઇ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો લઈને આવનાર ડ્રાઇવરની પૂછપરછ કરતા તેનું નામ સુભાષ વર્ગોકુલરામ દારા હોવાનું અને રાજસ્થાનના રાસીસર મોટાવાસનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેને દારૂ અંગેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો હરિયાણાના રહેવાસી સુરેન્દ્ર જાટે ભરાવ્યો હતો. આ દારૂનો જથ્થો અમદાવાદ રીંગ રોડ ઉપર પહોંચીને સુરેન્દ્રને ફોન કરવાનો હતો. સુરેન્દ્ર જે માહિતી આપે તેના આધારે આ દારૂ પહોંચતો કરવાનો હોવાની કબુલાત કરી હતી.


આ બનાવ અંગે અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભુપતભાઈએ કરજણ પોલીસ મથકમાં રૂપિયા 23 લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ટ્રકચાલક સુભાષ ગોદારા સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે રૂપિયા 23,18,400ની કિંમતનો દારુ, એક મોબાઈલ ફોન અને ટ્રક મળી કુલ રૂપિયા 33,23,400નો મુદ્દામાલ કબજ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments