- પોલીસે 23.45 લાખની દારૂની 11,304 બોટલ સાથે ક્ન્ટેનરના ચાલક મોહંમદ અબ્બાસ સાહબખાન ખાન (મેવ) (રહે. છીછરવાડી, રાજસ્થાન)ની અટકાયત કરી
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે કન્ટેનરમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં વડોદરામાં લવાતો રૂપિયા 23.45 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસ તંત્ર દ્વારા ગમે તેટલા આકરા પગલાં ભરવામાં આવે તેમ છતાં પરપ્રાંતમાંથી ગુજરાતમાં ઠલવાતા દારૂને રોકવામાં સફળતા મળતી નથી. બુટલેગરો પણ લાખો-કરોડોના દારૂ પકડાતો હોવા છતાં પોતાની ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા તૈયાર નથી. ત્યારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂબંધીનો અમલ કરવા માટે હાઇવે ઉપર પેટ્રોલીંગ વધારવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, એલસીબીના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ, દેવરાજસિંહ અને સિધ્ધરાજસિંહ બુધવારે રાત્રે જરોદ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે એક બંધ બોડીના હરિયાણા પાસિંગના ક્ન્ટેનરમાં દારૂનો જથ્થો વડોદરા તરફ આવી રહ્યો છે. જેને પગલે આમલીઆરા નજીક વોચ અને નાકાબંધી ગોઠવી કન્ટેનરને આંતરી તેની તલાશી લેવામાં આવતા તેમાંથી પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગની આડમાં ઇંગ્લીશ દારૂની 327 પેટી મળી આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે રૂપિયા 23.45 લાખની કિંમતની દારૂની 11304 બોટલ સાથે ક્ન્ટેનરના ચાલક મોહંમદ અબ્બાસ સાહબખાન ખાન (મેવ) (રહે. છીછરવાડી, રાજસ્થાન)ની અટકાયત કરી તેની પુછપરછ કરતા રાજસ્થાનના અમરૂકા ગામે રહેતા અલી મેવે આ જથ્થો ભરેલું ક્ન્ટેનર તેને દિલ્હી-જયપુર હાઇવે ઉપરથી આપ્યું હતું અને વડોદરા પહોંચી ફોન કરવા માટે જણાવ્યું હતું.
એલસીબી પીઆઇ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવમા દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરી જરોદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જરોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબીના પીએસઆઇ એસ.જે. રાઠવા, એ.એસ.આઇ. કનુભાઇ, આર્મ હેડ કોન્સ્ટેબલ મેહુલસિંહ સહિત સ્ટાફ જોડાયો હતો.