- મંજુસર પોલીસે શાકભાજીના થેલાઓને હટાવતા વિદેશી દારુનો જથ્થો મળ્યો, 15.36 લાખનો મુદ્દામાલ સહિત ટેમ્પો કબજે કરી કાર્યવાહી હાથ ધરી
શહેરના વેમાલીમાં આવેલા સિદ્ધાર્થ એનેક્સરના પાર્કિંગમાં પાર્ક કરેલા શાકભાજી ભરેલા ટેમ્પોમાંથી પોલીસે રૂપિયા 10 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ટેમ્પોના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. આ દારૂનો જથ્થો વેમાલીના બુટલેગરે મંગાવ્યો હોવાનું કહેવાય છે.
મંજુસર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, એક ટેમ્પો વેમાલી ગામ સ્થિત સિદ્ધાર્થ એનેક્સરના પાર્કિંગમાં શાકભાજી ભરેલો ઉભો છે. તેમાં વિદેશી દારૂનો જથ્થો મૂકી રાખવામાં આવ્યો છે. જેના આધારે દુમાડ ચોકડીથી ખાનગી વાહનમાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટેમ્પો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પોલીસે ટ્રકની કેબિનમાં જઇને જોતા કોઇ માણસ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આજુબાજુમાં પણ તપાસ હાથ ધરી હતી પરંતુ, કોઇ પત્તો લાગ્યો ન હતો. આખરે ડ્રાઇવર કેબિનના પાછળના ભાગમાં તપાસ કરવામાં આવતા શાકભાજી દૂધી ભરેલા થેલાઓ મળી આવ્યા હતા. આ થેલાઓને હટાવતા તેની નીચેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ ઉપરાંત ટેમ્પો ડ્રાઇવર સીટની બાજુના ખાનામાંથી એક ચાવી મળી આવી હતી. આ સાથે જે ટ્રક સંબંધિત કાગળિયા મળી આવ્યા હતા. બાદમાં ટ્રકમાંથી મળી આવેલા મુદ્દામાલની ગણતરી કરવામાં આવી હતી. જેમાંથી રૂપિયા 10.32 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે શાકભાજી અને દારૂ ભરેલો ટેમ્પો મળી કુલ રૂપિયા 15.36 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે બે અજાણ્યા શખ્સો સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.