વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી સિમેન્ટ મિક્સરના કન્ટેનરમાં લઈ જવાતો 45 લાખનો દારૂ ઝડપાયો, ડ્રાઇવરની ધરપકડ

આજોડ ગામની સીમમાંથી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોડીરાત્રે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

MailVadodara.com - Liquor-worth-45-lakhs-was-seized-from-Vadodara-Express-Highway-in-a-cement-mixer-container-driver-arrested

- કન્ટેનર ઉપર વંડર સિમેન્ટ લખી પોલીસને ગેરમાર્ગે દોરવાનો બુટલેગરોનો કિમીયો નિષ્ફળ

- 44.83 લાખનો દારૂ અને કન્ટેનર મળી 59.88 લાખનો મુદ્દામાલ જપ્ત


વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર આજોડ ગામની સીમમાંથી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોડીરાત્રે સિમેન્ટ મિક્સરના કન્ટેનરમાં લઈ જવાતો રૂપિયા 44,83,200ની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો. આ બનાવમાં પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મોડીરાત્રે એલસીબીની ટીમ મંજુસર પોલીસની હદમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, સિમેન્ટ મિક્સ કરવામાં આવતા કન્ટેનરમાં દારૂનો જંગી જથ્થો એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થનાર છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમ આજોડ ગામની સીમમાં વોચમાં ગોઠવાઈ ગઈ હતી.


આ દરમિયાન માહિતી વાળુ કન્ટેનર પસાર થતાં તેને વોચમાં ગોઠવેલી પોલીસે રોકી હતી. પોલીસે કન્ટેનરચાલક ચાંદમલ મીણાની અટકાયત કરીને પૂછપરછ કરતા તે યોગ્ય જવાબ આપી ન શકતા પોલીસને શંકા ગઇ હતી. પોલીસે કન્ટેનરના પાછળના ભાગની સીડી ઉંચી કરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો દારૂ ભરેલ 934 પેટી મળી આવી હતી. પોલીસે દારૂ ભરેલ કન્ટેનર મંજુસર પોલીસ મથકમાં લઈ ગઈ વધુ તપાસ હાથ ધરી હતી. તેમણે જણાવ્યું કે, જે કન્ટેનર બનાવ્યું હતું તે માત્ર દારૂની હેરાફેરી માટે જ બનાવ્યું હોય તેમ લાગતું હતું. કન્ટેનર ઉપર વંડર સિમેન્ટ લખી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બુટલેગરોનો કિમીયો પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.


LCB પી.આઇ. કુણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલા ડ્રાઇવર ચાંદમલ મીણાને વિદેશી દારુનો જથ્થો કોની પાસેથી અને કયાંથી ભરી લાવેલ છે તેમજ કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો. જે બાબતે પુછપરછ કરતા આ વિદેશી દારૂ ભરેલ ટેન્કર રાજુ નામના ઇસમને તેને ગોવાની બોર્ડર પાસે આવેલ પંજાબી હોટલ ઉપરથી આપેલ હતી અને ગાડી લઇને ગુજરાત તરફ જવાનું જણાવેલ અને વડોદરા આવતા અમદાવાદ એકસપ્રેસ ટોલનાકુ પાસ કરીને આ રાજુ નામનો ઇસમને ફોન કરવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. હાલ પોલીસે રૂપિયા 44.83 લાખની કિંમતનો દારૂનો જથ્થો અને કન્ટેનર મળી રૂપિયા 59,88,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ બનાવમાં ફરાર રાજુ નામના વ્યક્તિની ઘરપકડ થયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મંજુસર પોલીસે ગુનો દાખલ કરીને આરોપી ચાંદમલ સવજીભાઈ મીણા (રહે. કમરિયા ફલા પીપળી, ગામ-તાલુકો રીસભદેવ, રાજસ્થાન)ની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. મોડીરાત્રે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે આજોડ ગામની સીમમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડતા દારૂની હેરાફેરી કરી રહેલા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નોંધનીય બાબતે એ છે કે, બુટલેગરો દ્વારા સહી સલામત રીતે દારૂનો જથ્થો જે તે સ્થળે પહોંચાડવા માટે નવા નવા કીમિયા અપનાવી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા નિષ્ફળ બનાવીને દારૂના હેરાહેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે.

Share :

Leave a Comments