- એલીપીજી ગેસ ટેન્કરમાંથી વિદેશી દારૂની 12,516 બોટલો જેની કિંમત 50 લાખ સાથે ટેન્કર, રોકડ, મોબાઈલ મળી કુલ 60,23,900નો મુદામાલ જપ્ત
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં થર્ટીફસ્ટને લઇ મોટી માત્રામાં બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. ત્યારે શહેર પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યાવહી ચાલી રહી છે. ત્યારે દુમાડ ચોકડી નજીકથી શહેર પીસીબી દ્વારા બાતમીના આધારે એક એલીપીજી ગેસના ટેન્કરમાં રાજેસ્થાનથી સુરેન્દ્રનગર ફિલ્મી ઢબે લઇ જવાતો 50 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે આગામી 31stને લઇ લીસ્ટેડ બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરી શકે છે. ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી શક્યતા હોવથી તેઓની પ્રવૃત્તિ ઉપર સતત પોલીસની એજન્સીઓ નજર રાખી રહી છે. ત્યારે શહેર પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે, શહેરના દુમાડ ચોકડી પાસેથી એક એલીપીજી ગેસની ટેન્કની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી રાજેસ્થાનથી સુરેન્દ્રનગર તરફ જઇ રહેલ છે. જેના આધારે દુમાડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી.
બાતમીના આધારે પીસીબીની ટીમ દુમાંડ ચોકડી પાસે ઉભી હતી. ત્યારે એક એલીપીજી ગેસની ટેન્કર આવતા તપાસ કરતા ચાલકની પૂછપરછ કરી હતી. બાદમાં આ ટેન્કમાં એલીપીજી નહીં, પરંતુ ફિલ્મી ઢબે ભારતીય બનાવતનો વિદેશી દારૂનો જથ્થો લઇ જવાતો હોવાની આશંકા આધારે તપાસ કરતા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ ટેન્કનો ચાલક મેઘારામ ધર્મારામ દેદારામ જાટ (જાંગુ) (ઉં.વ. 32, રહે. લકડાસર ગામ, તા. સેડવા, બાડમેર, રાજેસ્થાન)ને ઝડપી છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં એલીપીજી ગેસ ટેન્કરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 12,516 બોટલો જેની કિંમત રૂપિયા 50,06,400 સાથે એલીપીજી ગેસ ટેન્કર, રોકડ, મોબાઈલ કુલ કિંમત રૂપિયા 60,23,900નો મુદામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મોકલનાર, મંગવાનાર અને આ ટેન્કરના ડ્રાઇવરને દારૂ ભરેલ ટેન્કર આપી જનાર ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કર્યો છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર પીસીબીએ છેલ્લાં 20 દિવસમાં એક કરોડથી પણ વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.