સયાજી હોસ્પિટલમાં છઠ્ઠા માળે જતી લિફ્ટ અધવચ્ચે લોક થઇ ગઇ, દર્દી સહિત 5 વ્યક્તિઓ 20 મિનિટ સુધી ફસાયાં

લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિઓએ બચાવો.. બચાવો..ની બુમો પાડી, છતાં મદદે કોઇ ન આવ્યું

MailVadodara.com - Lift-going-to-sixth-floor-in-Sayaji-Hospital-got-stuck-midway-5-persons-including-patient-trapped-for-20-minutes

- સિક્યુરીટી ગાર્ડ લીફ્ટ ખોલવાની ચાવી લેવા ગયો છે કહીને કર્મચારીઓ ખસી ગયા હતા, અંતે કોઈ ન આવતા મુલાકાતીઓને લિફ્ટનો દરવાજો તોડીને બહાર કાઢાયા

- લિફ્ટમાંથી બહાર નીકળ્યા બાદ દર્દી સહિતના વ્યક્તિઓએ SSG તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો


વડોદરાની સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં છઠ્ઠા માળે જતી લીફ્ટ અધવચ્ચે લોક થઈ ગઈ હતી. આથી લિફ્ટમાં સવાર દર્દી અને તેના પરિવાર સહિત 5 વ્યક્તિ ફસાઈ ગયા હતા. લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. 20 મિનિટ સુધી લિફ્ટમાં ફસાઈ રહેલા દર્દી અને પરિવારજનોને લિફ્ટના દરવાજા તોડીને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી મૂકી હતી.


સયાજી હોસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફ માટે લિફ્ટની સુવિધા છે. પરંતુ, આ લિફ્ટના નિયમિત મેઈન્ટેનન્સના અભાવને કારણે અવારનવાર લિફ્ટ ખોટકાઇ જતી હોય છે. આજે પણ સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગની દર્દીઓ માટેની લિફ્ટ ખોટકાઇ જતાં, એક દર્દી જીતેન્દ્રભાઈ ગુપ્તા એનો પરિવાર સહિત 5 વ્યક્તિઓ ફસાઇ ગયા હતા.

લિફ્ટ અધવચ્ચે બંધ થઈ જતા લિફ્ટમાં સવાર પરિવારે બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે, સ્થળ પર કોઈ જવાબદાર વ્યક્તિઓ ન હોવાના કારણે લિફ્ટમાં ફસાયેલા દર્દીને ગભરામણ શરૂ થઈ ગઈ હતી. આ સાથે પરિવારના અન્ય ત્રણ સભ્યો સહિત 5 વ્યક્તિઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. 15-20 મિનીટ સુધી લિફ્ટમાંથી બહાર કાઢવા માટે કોઈ ન આવતા અન્ય વ્યક્તિઓએ લિફ્ટનો દરવાજો તોડીને તેઓને દર્દી સહિત લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં દર્દીઓ માટે એક અલાયદી લિફ્ટ મૂકવામાં આવી છે. જે લિફ્ટ મેઈન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં પડી છે. જ્યારે સ્ટાફ માટે મૂકવામાં આવેલી બે લિફ્ટનો ઉપયોગ દર્દીઓએ કરવો પડે છે. આજે બપોરના સુમારે સ્ટાફ માટે ઉપયોગમાં લેવાતી લિફ્ટમાં દર્દીઓ અને મુલાકાતીઓ ગ્રાઉન્ડ ફ્લોરથી છટ્ઠા માળે જતા હતા. ત્યારે અચાનક અધવચ્ચે લીફ્ટ બંધ પડી ગઈ હતી. જેનાથી લિફ્ટમાં સવાર મુલાકાતીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિઓએ બચાવો.. બચાવો..ની બુમો પાડી હતી. પરંતુ, મદદે કોઇ આવ્યું ન હતું. સિક્યુરીટી ગાર્ડ લીફ્ટ ખોલવાની ચાવી લેવા ગયો છે તેમ કહીને કર્મચારીઓ પણ ખસી ગયા હતા. અંતે કોઈ ચાવી લઈને નહિ આવતા મુલાકાતીઓને લિફ્ટનો દરવાજો તોડીને લીફ્ટની બહાર કાઢવામાં આવ્યા હતા. લિફ્ટમાંથી હેમખેમ બહાર નીકળ્યા બાદ દર્દી સહિત અન્ય વ્યક્તિઓએ SSG તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.


લિફ્ટમાં ફસાયેલા દર્દી જીતેન્દ્ર ગુપ્તાએ જણાવ્યુ હતું કે, હું પેશન્ટ છું. હું છઠ્ઠા માળે જતો હતો. 15 મિનિટ હું ફસાઇ રહ્યો. ગભરામણ થઈ ગઈ હતી. પંદર-વીસ મિનીટ અંદર રહ્યા. લિફ્ટ તોડતા બહાર આવ્યા છીએ. કંઇક થઇ ગયું હોત તો શું થાત. આ ગંભીર પ્રકારની બેદરકારી છે. કોઈ જવાબદાર વ્યક્તિ નથી.

લિફ્ટમાં ફસાયેલા મહેન્દ્રભાઇએ જણાવ્યું કે, લિફ્ટમાં એક વ્યક્તિ વધારે બેસી જતા લિફ્ટ લોક થઈ ગઈ હતી. કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. જો 10 મિનિટ મોડી લિફ્ટ ખૂલ્લી હોત તો દર્દીનું મોત નીપજ્યું હોત. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આજની ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી હતી.

Share :

Leave a Comments