લોકસભા ચૂંટણીને પગલે પરવાનાવાળા હથિયારો 7 દિવસમાં પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પડશે

વડોદરા શહેર પોલીસ કમિશનરે હથિયારબંધીનું જાહેરનામુ બહાર પાડ્યું

MailVadodara.com - Licensed-firearms-will-have-to-be-deposited-in-the-police-station-within-7-days-following-the-Lok-Sabha-elections

- પરવાનેદારોને તેમના હથિયાર ચૂંટણીનું પરિણામ જાહેર થયાના અઠવાડિયા પછી પરત મળશે

વડોદરા શહેર પોલીસ કમિશનરે વડોદરા શહેરમાં હથિયારબંધીનું જાહેરનામુ બહાર પાડ્યું છે. આગામી 7 દિવસમાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પડશે. જે ચૂંટણી પૂર્ણ થયા બાદ પરવાનાધારકને પરત મળશે.

વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જાહેરનામુ બહાર પાડ્યું છે કે, આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જાહેર શાંતિ અને સલામતીના હિતમાં ચૂંટણી આયોગ તરફથી સંવિધાનની કલમ-324થી આપેલ સત્તા તથા ભારતીય ફોજદારી અધિનિયમ-1973ની કલમ-144 મુજબ મને મળેલી સત્તાથી વડોદરા શહેર પોલીસના વિસ્તારમાં રહેતા દરેક પ્રકારના હથિયારોના પરવાનેદારોને તેમની પાસેના પરવાનાવાળા દરેક પ્રકારના હથિયારો આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી 7 દિવસમાં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા અને તમામ પોલીસ સ્ટેશનોએ પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાં આવે તે માટેના પગલાં લેવા અને તમામ હથિયારો જમા થઇ ગયા અંગેની જાણ કરવી.

આ આદેશ શહેરની મુલાકાતે આવેલા તમામ હથિયાર પરવાનાધારકોને પણ લાગૂ પડશે. આ ઉપરાંત હથિયાર ખરીદ-વેચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ-વેચાણ આ સમયગાળા દરમિયાન કરશે, તો પણ હથિયારની સોંપણી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધી પરવાનાધારકોને કરી શકશે નહીં. આ ઉપરાંત પરવાનેદારોને તેમના હથિયાર ચૂંટણીનું પરિણામ જાહેર થયાના એક અઠવાડિયા બાદ તુરંત જ પરત કરવાના રહેશે. આ આદેશનું પાલન નહીં કરનાર શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-25 હેઠળ સજાને પાત્ર ઠરે છે તેમજ ઇ.પી.કો.કલમ-188 મુજબ પણ પગલાં લેવામાં આવશે જેની નોંધ લેવી.

Share :

Leave a Comments