વડોદરા શહેર જિલ્લામાં આરોગ્ય વિભાગ તથા જિલ્લા રક્તપિત અધિકારીની કચેરી દ્વારા તા.19 સુધી દ્વિ-અઠવાડિક રક્તપિત દર્દી શોધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં વડોદરાના શહેર અને ગ્રામ વિસ્તારમાં લોકોના ઘરે ઘરે જઈને રક્તપિત અંગે આરોગ્ય તપાસ તથા રક્તપિત જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાઇ રહ્યા છે. ઝુંબેશના બીજા અઠવાડિયા દરમિયાન 1687 ટીમ દ્વારા 95697 ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાંથી 12120 ઘરો બંધ જોવા મળ્યા હતા. બાકીના ઘરોમાં તપાસ કરતા કુલ 689612 લોકોની રક્તપિત માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 1078 લોકોને રક્તપિતના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. જેમની મેડીકલ ઓફિસર અને જિલ્લા રક્તપિત ટીમ દ્વારા તપાસણી કરતા કુલ રક્તપિત્તના 30 દર્દીઓ મળી આવ્યા છે. આ પૈકી 18 દર્દીઓને પીબી પ્રકારનો એટલે કે પોસીબેસીલરી જયારે 12 દર્દીઓને એમબી એટલે કે મલ્ટીબેસિલરી રક્તપિત્ત જોવા મળ્યો છે. શહેર જિલ્લામાં તા.1 જાન્યુઆરી થી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ ઝુંબેશ હેઠળ 1687 ટીમ દ્વારા કુલ 24.56 લાખ લોકોનો રક્તપિત માટે આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન રક્તપિત દર્દી અંગે લોકોમાં જોવા મળતી સુગ ઓછી થાય તે રીતનું આરોગ્ય શિક્ષણ આપી લોકજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે. જેથી રક્તપિતના લક્ષણો ધરાવતા દર્દી જાતે પણ સારવાર લેવા આગળ આવી શકે, રોગ છુપાવે નહિ. રક્તપિત્તના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવા જણાવાયું છે.