વડોદરા નજીક મહીસાગર નદીના કોતરમાં દીપડો દેખાયો, મારણ જોઈને પણ પાંજરામાં ન ઘૂસ્યો

દીપડો દેખાતા સિંધરોટ, શેરખી અને ભીમપુરા ગામના લોકોમાં ગભરાટ ફેલાયો

MailVadodara.com - Leopard-spotted-in-Mahisagar-river-gorge-near-Vadodara-did-not-enter-cage-after-seeing-antidote

- ભૂખ્યો દીપડોએ સતત ત્રણ દિવસ સુધી પાંજરાની આસપાસ આટાફેરા માર્યા

- અગ્રણીઓએ વન વિભાગને જાણ કરી, ગ્રામજનો સતર્ક થઇ ગયા હતા


વડોદરા નજીક મહીસાગર નદીના કિનારા ઉપર આવેલા કોતરોમાં છેલ્લા કેટલાક સમયથી દેખા દઇ રહેલા દીપડાએ સિંધરોટ, શેરખી અને ભીમપુરા ગામના લોકોમાં ગભરાટ ફેલાવી દીધો છે. દીપડાને પાંજરે પુરવા માટે વનવિભાગ દ્વારા મારણ સાથે પીંજરું મૂક્યું છે. પરંતુ, દીપડો પાંજરાની આસપાસ આંટા મારી કોતરોમાં જતો રહે છે. દીપડો પીંજરે ન પુરાતા ગ્રામજનોની ઉંઘ હરામ થઇ ગઇ છે.

મળેલી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી મહીસાગર નદીના કોતરોમાં સંધ્યાકાળ બાદ દીપડો આવી રહ્યો છે. ગ્રામજનોએ દીપડાને કોતરોમાં જોતા આસપાસના ગામના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. રાત્રિના સમયે આ દીપડો પોતાના ગામમાં આવીને માનવ ઉપર હુમલો ન કરે કે, કોઇ પશુનું મારણ ન કરે તે માટે ગ્રામ્યજનો સતર્ક થઈ ગયા છે. છતાં ગ્રામ્યજનોમાં દીપડાને લઈને ભારે દહેશત છે અને ગ્રામ્યજનોને પોતાના પશુઓની રક્ષા કરવાનો વખત આવ્યો છે.


ગ્રામજનોને ભયના ઓથાર નીચે રાત પસાર કરવાનો વખત આવ્યો છે. કોતરોમાં દેખા દીધેલા દીપડાને કારણે રાતના ઉજાગરા અને દહેશત નીચે દિવસો પસાર કરી રહેલા ગામના અગ્રણીઓએ કોતરોમાં દીપડો ફરી રહ્યો હોવાની જાણ વનવિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓને કરી હતી.

દરમિયાન વનવિભાગ દ્વારા કોતરોમાં ફરી રહેલા દીપડાને પાંજરામાં પુરવા માટે મારણ સાથે પિંજરું ગોઠવી દેવામાં આવ્યું હતું અને સીસીટીવી પણ લગાવી દેવામાં આવ્યા હતા. દીપડો પાંજરા સુધી આવી જતો હતો, પરંતુ પાંજરામાં જતો ન હતો, જેના પણ LIVE સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. છેલ્લા બે ત્રણ દિવસથી દીપડો પાંજરાની આસપાસ આંટા મારીને પુન કોતરોમાં જતો રહેતો હોવાનું સીસી ટીવીમાં કેદ થયું છે. હજુ દીપડો પાંજરામાં પુરાયો નથી, તેમ આર.એફ.ઓ. કરણસિંહ રાજપુતે જણાવ્યું હતું.


આર.એફ.ઓ. કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દીપડાને પાંજરામાં પુરવા માટે બે પિંજરા ગોઠવવામાં આવ્યા છે, પરંતુ, દીપડો પિંજરામાં આવતો નથી. દીપડો પાંજરામાં પુરાયા બાદ તેને સલામત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહી નદીના કોતરોમાં ફરી રહેલો દીપડો પાંજરામાં પુરાયા બાદ ગ્રામજનોને પણ રાહત મળશે. નોંધનીય છે કે, અવાર-નવાર મારનની શોધમાં દીપડાઓ નદી કિનારાના કોતરોમાં ફરતા ફરતા શહેરો નજીક આવી જતા હોય છે. નદી કિનારાના ગામોમાં પશુઓનું મારણ કરતા હોય છે. જંગલો કપાઈ જવાના કારણે ખોરાકની શોધમાં શહેરો સુધી આવી રહેલા હિંસક પ્રાણીઓ આવનારા સમય માટે ખતરા રૂપ પુરવાર થઈ શકે છે.

Share :

Leave a Comments