અમિત નગર બ્રિજ પાસે પાલિકાના આડેધડ ખોદકામમાં પાણીની લાઈનમાં લીકેજ, હજારો લિટર પાણીનો વેડફાટ

પાણી ભરાઈ રહેલા ઊંડા ખાડામાં કર્મચારી સેફટી વગર કામગીરી કરતા ચર્ચાનો વિષય બન્યો

MailVadodara.com - Leakage-in-water-line-due-to-haphazard-digging-of-municipality-near-Amit-Nagar-Bridge-waste-of-thousands-of-liters-of-water

- અમિત નગર સર્કલ બ્રિજ પાસે પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી કરાઇ રહી છે, ત્યારે ગત રાત્રે પાણીની લાઈન લીકેજ થતા હજારો લિટર વેડફાતા રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી 


શહેરમાં હાલમાં ચાલી રહેલ કાળઝાળ ગરમીમાં નગરજનો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે અને પાલિકાની વડી કચેરી ખાતે પણ મોરચા જઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ અમિત નગર બ્રિજ પાસે પાલિકાની આડેધડ કરવામાં આવેલી કામગીરીના કારણે લાઈનમાં લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. રસ્તા પર પાણીની રેલમછેલ થતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.


સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં એક તરફ કેટલાક વિસ્તારોમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે તો બીજી તરફ પાલિકાની કામગીરીમાં બેદરકારીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પાણી માટે કચેરી પાલિકાની વડી કચેરીમાં પણ મોરચા જઇ રહ્યા છે ત્યારે તંત્રમાં દીવા તળે અંધારું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અમિત નગર સર્કલ બ્રિજ પાસે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન મોડી રાત્રે પાણીની લાઈન લીકેજ થતા હજારો લિટર પાણી વેડફાયું હતું. રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. બીજી બાજુ પાણી ભરાઈ રહેલા ઊંડા ખાડામાં કર્મચારી સેફટી વગર કામગીરી કરતા ચર્ચાનો વિષય બન્યો હતો.


સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના અમિતનગર બ્રિજ પાસે હાલમાં જે પાણી પુરવઠાની કામગીરી થઈ હતી પરંતુ, જે લીકેજ બંધ કરવામાં આવ્યું હતું. એ ફરીથી લીકેજની અંદરથી હજારો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે. વડોદરા શહેરની અંદર પાણી પુરવઠા દ્વારા આડેધડ ખોદકામ કરવાના કારણે પાણી લીકેજની ઘટનાઓ બની રહી છે. અત્રે નોધનીય છે કે, કામગીરી ચાલતી હોય ત્યારે કોન્ટ્રાક્ટર, અધિકારીઓ કે સુપરવાઇઝર પણ જોવા મળતા નથી. પરિણામે પાણી લીકેજની ઘટનાઓ બનતી હોય છે.

સામાજિક કાર્યકરે વધુમાં જણાવ્યું હતું કે, કર્મચારીઓ અંદર પાણીમાં ઉતાર્યા છે. એ સેફટી વગર ઉતાર્યા છે અને જો કોઈ જાનમાલને નુકસાન થાય અથવા તો કોઈપણ હોનારત ઘટે તો તેનો જવાબદાર કોણ? મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી પુરવઠાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગણી છે.    

Share :

Leave a Comments