- મુખ્ય રોડ પર ગેસ લીકેજ થતાં આસપાસના અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા, એક સાઈડનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી
શહેરના ગોત્રી વિસ્તારમાં આજે સવારના સમયે CNG સપ્લાય કરતી ગાડીમાં બાટલની પાઈપલાઇન ફાટી જતાં ગેસ લીકેજ થયું હતું. જેને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વડીવાડી બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ થતું અટકાવ્યું હતું. જોકે, વડોદરા શહેરના મુખ્ય રોડ પર આ પ્રકારે CNGની ગેસ લીકેજ થતાં આસપાસના લોકો અને વાહનચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ સાથે થોડીવાર માટે એક સાઈડનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે સવારે 7:30 વાગ્યાની આસપાસ CNG સ્ટેશન ઉપર સપ્લાય કરતી CNG ગેસના બોટલો ભરેલી ગાડી પસાર થઈ રહી હતી. આ સમયે CNG બોટલની પાઈપ ફાટતા તેમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજ થવાનો મોટો અવાજ સંભળીને ડ્રાઇવરે તુરંત જ ગાડી રોકી દીધી હતી. જે બાદ તેણે ગેસ લીકેજને અટકાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્ય રોડ પર ગેસ લીકેજ થતા એક તરફનો રસ્તો બંધ કરાવવાની ફરજ પડી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો. જેને કારણે આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મુખ્ય રોડ પર અચાનક CNG ગેસ લીકેજ થવા લાગતાં વાહનચાલકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ દરમિયાન એક સ્કૂલ બસ પણ પસાર થઈ રહી હતી. આ ઉપરાંત વહેલી સવારે નોકરી-ધંધે લોકો જઈ રહ્યા હતા, જેથી રોડ પર ટ્રાફિક હતો. આવા સમયે જો મોટી દુર્ઘટના સર્જાઇ હોત, તો જાનહાનિ થવાની પણ શક્યતા હતી. જો કે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
CNGની આ ગાડી ઇલોરા પાર્ક ખાતે આવેલા વડોદરા ગેસ સ્ટેશનથી ગેસ ભરીને શહેરમાં આવેલા અન્ય ગેસ સ્ટેશન પર ગેસ પહોંચાડવા માટે જઈ રહી હતી. જોકે, ગોત્રી વિસ્તારમાં આ ગાડીમાં ગેસ લીકેજ થતા ગાડીને પરત વડોદરા ગેસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, CNG ગાડીનો પાઈપ ફાટી ગયો હતો, જેથી ગેસ લીકેજ થયું હતું. અત્યારે વડોદરા શહેરમાં વરસાદને કારણે મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
વડીવાડી ફાયર સ્ટેશનના ફાયરમેન તુષાર દેવરે જણાવ્યું હતું કે, અમને સવારે સીએનજી ગાડીમાં ગેસ લીકેજ થયો હોવાનો કોલ મળ્યો હતો, જેથી સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ ગેસ લીકેજ પર કાબૂ મેળવ્યો હતો.