- વોટ માટે ઘૂંટણીયે પડતાં નેતાઓને પ્રજાના પ્રશ્નો સંભળાતા નહીં હોય..!!
- પાંચ પૈકી એકમાત્ર ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ મંત્રીને રજુવાત કરવાની તૈયારી બતાવી..!
- પ્રજા માટે વડોદરાનું પ્રતિનિધિત્વ કરવામાં નમાલા નેતાઓ હંમેશા નિષ્ફ્ળ રહ્યા છે..!!
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત સાથે જ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો છે. જો કે રાજકીય નેતાઓને ગ્રાહકોની રજુઆતનો અહેસાસ થતો જોવા મળતો નથી.
વડોદરા શહેરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. સ્માર્ટ મીટર લગાવવાનો હેતુ ગ્રાહકો માટે ફાયદાકારક છે એવુ વીજ કંપની કહે છે. જો કે જુના મીટર બદલી નવા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થતા જ ગ્રાહકો હોબાળો મચાવી રહ્યા છે ત્યારે વીજ કંપનીના દાવા સામે સવાલો થાય એ સ્વાભાવિક છે.
વીજ કંપનીએ અકોટા વિસ્તારથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું. જો કે મીટર બદલવાની સાથે જ અકોટા સ્થિત વીજ કંપનીની કચેરીએ ગ્રાહકોના ટોળે-ટોળા રજુઆત કરવામાં દોડી આવ્યા હતા. લોકોની રજુવાત હતી કે સ્માર્ટ મીટર નાખ્યા બાદ બિલમાં વધારો થઈ રહ્યો છે. જુના મીટર કરતા સ્માર્ટ મીટરથી બિલમાં બમણા થી ત્રણ ઘણો વધારો થયો છે.
અકોટા બાદ વીજ કંપનીએ ફતેહગંજ માં સ્માર્ટ મીટરો લગાવતા અહીં પણ લોકો વીજ કંપનીની કચેરીએ દોડી આવ્યા હતા. લોકોનો આક્ષેપ હતો કે સ્માર્ટ મીટરના નામે વીજ બિલમાં ધરખમ વધારો થયો છે.
વીજ કંપનીના અધિકારીઓ કેમેરા સામે આવ્યા વગર ગ્રાહકોના આક્ષેપોનું ખંડન કરી રહ્યા છે. વીજ બિલમાં કોઈ પણ પ્રકારનો વધારો થતો હોવાનો પણ અધિકારીઓ ઇન્કાર કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે અમે લોકોની રજુવાત આગળ મોકલી છે.
એક તરફ પ્રજા સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહી છે, ત્યારે બીજી તરફથી રાજકીય નેતાઓ મોઢે ખંભાતી તાળું લટકાવી બેઠા છે. અહીં સવાલ એ છે કે શું પ્રજાની રજુઆત નેતાઓને ધ્યાને નથી આવી ? શું નેતાઓને લોકોની રજુઆત માં તથ્ય નથી જણાતું ? ગ્રાહકોની રજુઆત સામે વીજ કંપની સંતોષ કારક જવાબ કેમ આપી નથી રહ્યા ? સ્માર્ટ મીટરના નામે વીજ વપરાશ પહેલા એડવાન્સમાં નાણાં જમા કરાવવા કેટલું યોગ્ય છે ? પાલિકા મિલ્કત વેરો એડવાન્સમાં લે છે ત્યારે એવી જ રીતે હવે વીજ કંપની પણ એડવાન્સ માં નાણાં લેશે તો પ્રજાના માથે આર્થિક ભારણ નહીં વધે ? પ્રજાના સેવકો હોવાનો દાવો કરતા નેતાઓ શું પ્રજાની પડખે રહેશે કે સરકારમાં રજુઆત કરવાની હિંમત નહીં કરી શકે ? હા, એકમાત્ર અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ મંત્રી કનુભાઈ દેસાઈ ને રજુઆત કરવાની તૈયારી બતાવી છે. ચૈતન્ય દેસાઈ નું કહેવું છે કે લોકોની રજુવાત મારા ધ્યાને આવી છે અને હું આગળ રજુઆત કરીશ.