- કરજણ-જુનાબજારમાં આવેલી ગોલ્ડન આર્ક સોસાયટીમાં રહેતા કમલેશ સોની શિનોર તાલુકાના સાધલી ગામમાં આવેલી સોના-ચાંદીની દુકાન બંધ કરીને મોડી રાત્રે કારમાં ઘરે પરત આવતા હતા
- લૂંટારુએ દાતરડું બતાવી વેપારીને તારી પાસે જે હોય તે આપી દે, નહિંતર તને મારી નાંખીશું કહી રૂપિય 40 હજારની સોનાની ચેઇન લૂંટી લૂટારું ફરાર થઇ ગયા હતા, લૂંટારુંઓ ગુજરાતી-હિંદી ભાષા બોલતા હતા
શિનોર તાલુકાના સાધલી ગામમાં આવેલી સોના-ચાંદીની દુકાન બંધ કરીને યુવાન વેપારી મોડી રાત્રે કારમાં ઘરે જઇ રહ્યો હતો. દરમિયાન સાઘલી-કરજણ રોડ ઉપર આવેલા ટીંગલોદ ગામ પાસે કારમાં ધસી આવેલા ચાર બુકાનીધારી યુવાન લૂંટારાએ ફિલ્મી ઢબે કારને રોકી હતી. દાતરડું બતાવી વેપારીને કારમાંથી ઉતારી રૂપિયા 40 હજારની કિંમતની સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. લૂંટારાઓએ વેપારીની કારના કાચ તોડી નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ બનાવે પંથકમાં ચકચાર જગાવી મૂકી છે.
શિનોર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનના સિરોહી-શિવગંજના કમલેશકુમાર જયંતિલાલ સોની (ઉં.વ. 30) હાલ કરજણ-જુનાબજારમાં આવેલી ગોલ્ડન આર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેઓની સાધલી ગામમાં જય અંબે જવેલર્સ નામની સોના-ચાંદીની દુકાન આવેલી છે.
છેલ્લા પાંચ વર્ષથી સાધલીમાં દુકાન ધરાવતા કમલેશકુમાર સોની રોજ રાત્રે 8 વાગ્યાના સુમારે પોતાની દુકાન બંધ કરીને કારમાં ઘરે જતા હોય છે. સોમવારે રાત્રે પણ તે તેના રાબેતા મુજબના સમયે દુકાન બંધ કરી પોતાની કાર લઇને સાધલી-કરજણ રોડ ઉપરથી ઘરે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રાત્રે ૮.30 વાગ્યાની આસપાસ ટીંગલોદ ગામના વળાંક પાસે પાછળથી આવેલી સફેદ રંગની તવેરા ગાડીમાં ધસી આવેલા લૂંટારુઓએ વેપારીની કારને ટક્કર મારી હતી. જેને કારણે વેપારીની કાર રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી. આ સાથે જ માસ્ક જેવું કાપડ મોંઢા ઉપર બાંધેલા ચાર જેટલા શખ્સો તવેરા ગાડીમાંથી બહાર આવ્યા હતા અને વેપારીની કારના ડ્રાઇવરની ખાલી સાઇટના તેમજ પાછળની સાઇટના કાચ પથ્થરો મારી તોડી નાંખ્યા હતા. ત્યાર બાદ લૂંટારુઓ વેપારીની કારમાં તપાસ કરવા લાગ્યા હતા. આ દરમિયાન એક લૂંટારુએ વેપારીને પાળીયું (દાતરડું) બતાવી કહ્યું હતું કે, તારી પાસે જે હોય તે આપી દે, નહિંતર તને મારી નાંખીશું. તેમ જણાવી વેપારી કમલેશકુમાર સોનીએ ગળામાં પહેરેલી રૂપિયા 40 હજારની કિંમતની પેન્ડલવાળી 18 ગ્રામ વજનની સોનાની ચેઇન લૂંટી ચારેય લૂટારું ફરાર થઇ ગયા હતા.
આ દરમિયાન લૂંટારુ ટોળકીનો ભોગ બનેલા કમલેશ સોનીએ તુરંત જ શિનોર પોલીસનો સંપર્ક કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. ચારેય લૂંટારુંઓની ઉંમર 25થી 30 વર્ષની આસપાસ હોવાનો અંદાજ છે અને બધાએ મોંઢા પર માસ્ક બાંધેલું હતું. તેમજ હિંદી અને ગુજરાતીમાં વાત કરતાં હતાં. શિનોર પોલીસે ફરિયાદના આધારે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ બનાવની તપાસ પી.એસ.આઇ. એ.આર. મહિડા કરી રહ્યા છે.
વેપારીએ જણાવ્યું હતું કે, સાધલીમાં મારી સોના-ચાંદીની દુકાન આવેલી છે. પાંચ વર્ષમાં પ્રથમ વખત આ બનાવ બન્યો છે. લૂંટારુઓએ સાધલીથી જ પીછો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.