- ભીલાપુરથી વણાદરા જતા રસ્તા પર રેલવે ફાટક પાસે અકસ્માત, દંપતિ ટ્રકની પાછળના વ્હિલમાં આવી જતાં મોતને ભેટ્યા, પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો
- દંપતીને સંતાનમાં એક ૩ વર્ષની પુત્રી અને એક 11 મહિનાનો પુત્ર છે
- અકસ્માતમાં મોતને ભેટેલા વિક્રમભાઈએ સાંજે માતા સાથે છેલ્લી વાત કરી હતી અને કહ્યું હતું કે, અમે કમલાપુરા સાળીને ઘરે જઈએ છે, ત્યાં જમીને અમે ઘરે આવીશું, અમારી રાહ જોશો નહીં
વડોદરા અને ડભોઇ વચ્ચે આવેલા ભીલાપુર રેલવે ફાટક પાસે મોડીરાત્રે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ગોઝારી ઘટનામાં યુવાન દંપતીનું સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બે માસુમ બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી મચી ગઈ છે. પરિવાર વડોદરાથી પોતાના ગામ પહોંચવામાં જ હતું ત્યાં જ કાળ બનીને આવેલી ટ્રકે પરિવારને વિખેરી નાંખ્યો હતો. આ બનાવને પગલે ભીલાપુર વસાવા ફળિયામાં સન્નાટો વ્યાપી ગયો હતો.
આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે ડભોઇ તાલુકાના ભીલાપુર ગામમાં વસાવા ફળિયામાં 24 વર્ષીય વિક્રમભાઈ શંકરભાઈ રાઠોડિયા પત્ની આરતીબેન (ઉં.વ.20), બે બાળકો જયા (ઉં.વ.3) અને 11 માસનો પુત્ર સાહિલ સહિત માતા-પિતા અને બે બહેનો સહિતના પરિવાર સાથે રહેતો હતો. વિક્રમભાઈ રતનપુર પાસે આવેલી ચપ્પલ બનાવતી કંપનીમાં બે વર્ષથી નોકરી કરતા હતા. રવિવારે સવારે 10 વાગ્યા આસપાસ વિક્રમભાઈ રાઠોડિયા બાઈક પર પત્ની આરતીબેન અને બે બાળકો જયા અને સાહિલને લઈ કેલનપુર ખાતે સાસરીમાં ગયા હતા. સાસરીમાં સાંજ સુધી રોકાયા બાદ પરિવાર વડોદરા કમલાપુરા રહેતી સાળીના ઘરે ગયા હતા. ત્યાં જમીને ભીલાપુર પોતાના ગામ આવવા માટે નીકળ્યા હતા.
વિક્રમભાઈ પરિવાર સાથે બાઈક પર પોતાના ગામની ભાગોળે પહોંચી ગયા હતા. પરંતુ બાઈકને ભીલાપુરથી વણાદરા જવાના રસ્તા ઉપર રેલવે ફાટક પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલક વિક્રમભાઈ અને તેમની પત્ની આરતીબેન ટ્રકના ડ્રાઈવર સાઇડના પાછળના વ્હિલમાં આવી જતાં સ્થળ ઉપર કમકમાટીભર્યા મોતને ભેટ્યા હતા. જ્યારે તેમના બે માસુમ બાળકો બાઈક ઉપરથી ઉછળીને રોડની સાઈડમાં પડતા તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટના બનતા જ ટ્રકચાલક પોતાની ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.
ભીલાપુર ગામથી અડધો કિલોમીટર દૂર જ આ ઘટના બની હોય ગામ લોકો દોડી આવ્યા હતા. સાથે વિક્રમભાઈના પિતા શંકરભાઈ સહિત પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોએ વિક્રમ અને આરતીના મૃતદેહો જોતા સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થળ પર માતા-પિતા સહિત પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવે ભીલાપુર ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી.
મળેલી માહિતી પ્રમાણે અકસ્માતમાં મોતને ભેટેલા વિક્રમભાઈએ સાંજે માતા પ્રેમિલાબેન સાથે છેલ્લી વાત કરી હતી અને જણાવ્યું હતું કે, અમે કમલાપુરા સાળીને ઘરે જઈએ છે. ત્યાં જમીને અમે ઘરે આવીશું. અમારી રાહ જોશો નહીં. તમે જમી લેજો. પુત્ર સાથે વાત થયા બાદ પરિવારના લોકો જમી રહ્યા હતા. ત્યાં જ અજાણી વ્યક્તિએ અકસ્માતના સમાચાર આપતા પરિવાર જમવાની થાળી છોડી સ્થળ પર દોડી આવ્યા હતા. ભીલાપુરા ગામ સહિત પંથકમાં અરેરાટી ફેલાવી દેનાર આ બનાવની જાણ ડભોઇ પોલીસને થતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને દંપતીના મૃતદેહો કબજે કરી પોસ્ટ મોર્ટમ માટે ડભોઇ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સાથે પોલીસે ટ્રક કબજે કરી ફરાર થઈ ગયેલા ટ્રકચાલકની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.