કરજણ તાલુકાના અણસ્તુ ગામ નજીક મોડી સાંજે ત્રિપલ અકસ્માત, બાઇક ઉપર જતા યુવકનું મોત

અણસ્તુ ગામ પાસે પૂરપાટ જતા કારચાલકે યુવકની બાઈકને અડફેટે લીધી હતી

MailVadodara.com - Late-evening-triple-accident-near-Anastu-village-of-Karajan-taluka-youth-riding-bike-dies

- બીજી બાઈક ઉપર સવાર પિતા-પુત્રને ઇજા, ફરાર કારચાલક સામે ફરિયાદ

કરજણ તાલુકાના અણસ્તુ ગામ પાસે મોડી સાંજે કારચાલક અને બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં બાઈક ઉપર એકલા જઈ રહેલા યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી બાઈક ઉપર સવાર પિતા-પુત્રને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે કરજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલી માહિતી પ્રમાણે શિનોર તાલુકાના મીંઢોળ ગામનો યુવાન સંદિપ ઠાકોર મોટર સાઇકલ લઇને અણસ્તુ ગામ પાસેથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન પૂરપાટ પસાર થઈ રહેલા એક કારચાલકે સંદિપની બાઈકને અડફેટે લીધી હતી. સંદિપની બાઈકને ટક્કર વાગતા સંદિપે પોતાની બાઈકના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો. તે જ સમયે પસાર થઈ રહેલા પિતા-પુત્ર સવાર બાઈકને અડફેટે લઈ તે રોડ ઉપર પટકાયો હતો. તે સાથે પિતા-પુત્ર પણ રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા.

અણસ્તુ ગામ પાસે બનેલા આ બનાવમાં કારચાલક બાઈકચાલક સંદિપને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. દરમિયાન સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઈજા પામેલા બાઈકચાલક સંદિપ ઠાકોર અને બીજી બાઈક ઉપરથી પટકાયેલા પાદરા તાલુકાના મોભા ગામના હિતેશ રમણભાઈ બારીયા અને તેમના પુત્ર કાર્તિકને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પિતા-પુત્રને હાથ-પગમાં નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

દરમિયાન આ બનાવ અંગે હિતેશભાઈ બારિયાએ કરજણ પોલીસ મથકમાં અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે અણસ્તુ ગામમાં ચકચાર જગાવી મૂકી હતી.

Share :

Leave a Comments