- 13 જેટલા એજન્ડાઓ વિશે ચર્ચા કરાઈ, ખાનગી આવાસના ખર્ચને મંજૂરી
દિવાળી પૂર્વે આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆતમાંજ ભારતના નામાંકિત ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. તે બાદ શરૂ થયેલી સભામાં 13 કામોને બહાલી આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે પંચાયત હસ્તકની જમીનો PPP ધોરણે કરવાના કામને મંજૂર કરવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લા પંચાયતની કલેકટર કચેરી ખાતે મંગળવારે મળેલી સામાન્ય સભામાં 13 જેટલા વિવિધ એજન્ડાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રેતી-કંકર અને સ્ટેમ્પ ડ્યુટીના ગ્રાન્ટની વહીવટી મંજૂરી મેળવવામાં આવી હતી. જ્યારે જિલ્લા પંચાયત હસ્તક જમીનોમાં ડેવલપમેન્ટ કરવા માટે PPP ધોરણે મંજૂરી મેળવવા તેમજ કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
આ સાથે જિલ્લા વિકાસ અધિકારીના રહેણાંક મિલ્કતની જર્જરિત હાલતને લઈને તેના નવીનીકરણની કામગીરી શરૂ થતી હોવાના કારણે જિલ્લા વિકાસ અધિકારીને ખાનગી આવાસના ખર્ચને પંચાયતના મહેકમ ખર્ચમાંથી ચૂકવણી કરવા મંજૂરી આપવામાં આવી હતી.