પાણીમાં લીલ થઈ જતા લાલબાગ સ્વિમિંગ પૂલ હાલ સફાઇ માટે બંધ, કામગીરી પૂર્ણ થતાં ચાલુ થઇ જશે

કોર્પોરેશન તરફથી અપાતું પાણી ડહોળું હોવાથી પાણીમાં લીલ જલ્દી થઈ જાય છે!

MailVadodara.com - Lalbagh-swimming-pool-is-currently-closed-for-cleaning-due-to-the-water-turning-green-it-will-resume-after-the-completion-of-the-work

વડોદરા શહેરમાં કોર્પોરેશન હસ્તકના ચાર સ્વિમિંગ પૂલ ઉપરાંત બીજા બે બેબી સ્વિમિંગ પૂલ છે, જેમાંથી કારેલીબાગ સ્વિમિંગ પૂલ અને બેબી સ્વિમિંગ પૂલ ને બાદ કરતા બીજા ત્રણ બંધ છે. ભર ઉનાળે સ્વિમિંગ પૂલ બંધ હોવાથી સ્વિમરો કોર્પોરેશનના તંત્ર સામે નારાજ થયા છે. લાલબાગ સ્વિમિંગ પૂલમાં પાણીમાં લીલ થઈ જતા તે સફાઈ માટે હાલ બંધ છે. જોકે સફાઈ કાર્ય ચાલુ છે, અને ડીપ એરિયામાં કામગીરી બાકી છે. ટૂંકમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થતા એક-બે દિવસમાં ચાલુ થઈ જશે. લાલબાગ સ્વિમિંગ પૂલને કોર્પોરેશન તરફથી જે પાણી આપવામાં આવે છે તે ડહોળું હોવાથી પાણીમાં લીલ જલ્દી થઈ જાય છે. 


વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ લાલબાગ સ્વિમિંગ પૂલમાં નીચે ટાઇલ્સ તૂટેલી  છે. જેના કારણે લીલ થવાનું પ્રમાણ વધુ રહે છે. ટાઇલ્સ બદલવા માટે દર વખતે કોર્પોરેશનના બજેટમાં મેન્ટેનન્સ હેતુસર નાણાકીય જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ કામ નહીં થતાં પૈસા પરત જાય છે. હવે ઉનાળામાં ટાઇલ્સ બદલવાનું શક્ય નથી. કારણ કે ટાઇલ્સ બદલવાની કામગીરી દરમિયાન લાંબો સમય સુધી સ્વિમિંગ પુલ બંધ રાખવો પડે. કોર્પોરેશનની જનરલ બોર્ડની મિટિંગમાં પણ લાલબાગ સ્વિમિંગ પૂલના મેન્ટેનન્સ માટે બજેટ વપરાતું નથી અને કામગીરી થતી નથી તે અંગે રજૂઆતો કરવા છતાં પણ કામ કરવામાં આવતું નથી. 


આવું જ શહેરના પૂર્વ વિસ્તારમાં રાજીવ ગાંધી સ્વિમિંગ પુલનું છે. આ સ્વિમિંગ પૂલ  મેન્ટેનન્સ માટે ત્રણ મહિનાથી બંધ રખાયો હતો. મેન્ટેનન્સનું કામ પૂરું થયું છે, પરંતુ નાલંદા ટાંકીમાંથી સ્વિમિંગ પૂલને પાણી પુરતું મળતું નથી. લોકોને પીવાના પાણીની સુવિધા પ્રથમ આપવાની હોવાથી સ્વિમિંગ પૂલ પાણીના વાકે હાલ બંધ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીના ભારે તકલીફ છે. બીજી બાજુ ચાર-પાંચ વર્ષથી મેન્ટેનન્સ કામગીરીને લીધે બંધ સરદારબાગ સ્વિમિંગ પૂલ 15 દિવસમાં ચાલુ થઈ જાય તેવી સંભાવના છે. હાલ એકમાત્ર કારેલીબાગ સ્વિમિંગ પૂલ અને બીજા બે બેબી સ્વિમિંગ પૂલ  જ ચાલુ છે.

Share :

Leave a Comments