-કોઈ પણ જાતના સુરક્ષા સાધનો વગર કામ કરતા મજૂરોની જિંદગીની કોઈ કિંમત નથી..??
- સામાન્ય માણસોને દેખાય છે એ એરકન્ડિશન કારમાં ફરતા અધિકારીઓને દેખાતું નથી..??
શહેરમાં જ્યારે પણ કોઇ ઉંચાઇ પર અથવાતો જાહેર ટ્રાફિક વિસ્તારમાં કામગીરી કરવાની હોય ત્યારે સૌ પ્રથમ સુરક્ષા સાથે કામગીરી કરવા વડોદરા મહાનગરપાલિકાની પરવાનગી સાથે અન્ય વિભાગો જેવા કે, ટ્રાફિક શાખા, જી.ઇ.બી.વિગેરે સંલગ્ન વિભાગ ની પરવાનગી અને જાણ કરવાની હોય છે પરંતુ કયા ધારાધોરણો મુજબ હાલ શહેરમાં મનસ્વી રીતે લોકોને જોખમાય તથા મોટો અકસ્માત સર્જાય તે રીતે કામગીરી કરાતી હોવાના દ્રશ્યો સવારે જોવા મળ્યા હતા. આજે સવારે શહેરના સમા-સાવલીરોડ સ્થિત ઉર્મિ સ્કૂલ નજીક આવેલા સમા બ્રિજ પાસે ખાનગી એજન્સી દ્વારા કિઓસ્ક બોર્ડ/જાહેરાત બોર્ડપર ચાલુ વાહનવ્યવહાર હોવા છતાં ઉંચાઇએ કોઇપણ પ્રકારના સુરક્ષાના સાધનો વિના કર્મીઓ દ્વારા બોર્ડ બદલવાની કામગીરી કરવામાં આવી હતી એક તરફ ઉપર આકાશ નીચે વાહનોથી ધમધમતો વાહન વ્યવહાર અને તેની વચ્ચે ઉંચાઇ પર સુરક્ષાના સાધનો વિના જોખમી રીતે પેટીયું રળતા કર્મચારીઓ જોઈ એકવખત તો ભલભલા ધબકારા ચૂકી જાય.
વાહનોથી ધમધમતા આ રોડપર જો કોઇ ઉપરથી પડે તો શું થાય તે સમજી શકાય છે ત્યારે આવા જીવનના જોખમે કર્મીઓ પાસેથી કામગીરી કરાવતા કોન્ટ્રાક્ટર કે ખાનગી એજન્સી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?તથા આવી જોખમી કામગીરી કરતા અગાઉ પાલિકા તંત્ર તથા જે તે સંલગ્ન વિભાગોની એજન્સી, કોન્ટ્રાક્ટર દ્વારા પરવાનગી લેવામાં આવી હતી ખરી?આ તમામ બાબતે આજે વડોદરા મહાનગરપાલિકાના સ્થાઇ સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપ જાગૃત મિડિયાના માધ્યમથી જાણ થઇ છે અને ખરેખર આ જોખમી રીતે કામગીરી અંગે અમે અમારા વિભાગના અધિકારીઓ ને તપાસ કરી જે તે એજન્સી સામે કાર્યવાહી કરીશુ.જોખમી રીતે કામગીરી બાબતને ગંભીરતાથી લીધી છે અને તે બાબતે ચોક્કસ કાર્યવાહી હાથ ધરીશુ.
જ્યારે આ સમગ્ર મામલે પૂર્વ વિપક્ષીનેતા અને વર્તમાન મ્યુનિ. કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુભાઇ) એ જણાવ્યું હતું કે, પહેલા તો આવી કામગીરી રાત્રિ દરમિયાન અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને થવી જોઈએ સાથે જ આ કામગીરી માટે પાલિકા તંત્રની પરવાનગી લેવાની હોય છે અને જે તે ઇજનેર ત્યાં ઉપસ્થિત રહી આ બાબત જોવાની હોય છે પરંતુ કોણે અને કયા નિયમ મુજબ પરવાનગી આપી છે તે અને આ રીતે જોખમી રીતે સુરક્ષાના સાધનો વિના કામ કરતી એજન્સી સામે તાત્કાલિક ધોરણે દંડનીય કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને આવી એજન્સીને બ્લેકલીસ્ટ કરવી જોઈએ. અહીં માત્ર તપાસ કરવાની વાતો જ કરવામાં આવે છે ખરેખર આવી ગંભીર બેદરકારી બાબતે તાત્કાલિક પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી થવી જોઈએ.