- એલસીબીની પૂછતાછમાં ૩ દિવસ પહેલાં મનીષા ચોકડી પાસેથી બેન્ક ફાયનાન્સના એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી બાઇક પડાવી લીધાની ગઠિયાઓની કબૂલાત
વડોદરાના જુના પાદરા રોડ વિસ્તારમાં એક યુવકને વાતોમાં ફસાવી બે ગઠિયાઓ બાઈક લઈને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવ્યો હતો. આ મામલે ભોગ બનનારે જે.પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ વડોદરા ગ્રામ્ય બેન્ક ફાયનાન્સના એજન્ટ હોવાનું અને હપ્તો ડાઉન ગયો હોવાનું જણાવી બાઇક પડાવી લેતા હતા. એલસીબી ટીમે ગણતરીના કલાકોમાં ઈસમો પૈકી બેની પોલીસે ધરપકડ કરી છે.
વડોદરાના ડભોઇ રીંગ રોડ પર ગોકુળ વાટીકા ખાતે રહેતા અને કાલાઘોડા નજીક સ્ટોરમાં નોકરી કરતા વિષ્ણુભાઈ નાનજીભાઈ પરમાર નામના યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.7મીએ સવારે હું મારી મોટરસાયકલ લઇ મનીષા ચોકડી ખાતે રહેતા મારા દાદીને ત્યાં મળવા ગયો હતો. લગભગ પોણા દસ વાગ્યે હું રોડની સાઈડ પર બાઈક ઉભી રાખીને ઉભો હતો. આ દરમિયાન બે યુવકો મારી પાસે આવ્યા હતા અને રિકવરી એજન્ટ તરીકે ઓળખાણ આપી તમારી મોટરસાયકલના હપ્તા બાઉન્સ થયા છે. હમણાં જ સગવડ કરવી પડશે તેમ કહી ફોટો બતાવ્યો હતો. બાદમાં મેં મારા દાદી અને બહેનને ફોન કર્યા હતા પરંતુ, રૂપિયાની સગવડ થઈ ન હતી. જેથી, બંને યુવક મારી મોટરસાયકલ લઈને ચાલ્યા ગયા હતા. બીજા દિવસે બાઈકના શો-રૂમ પર જઈ તપાસ કરતા તેમણે એક હપ્તામાં મોટરસાયકલ સીઝ કરવામાં આવતી નથી તેમ જણાવ્યું હતું. જેથી, મેં એચડીએફસીના ગોડાઉન પર પણ તપાસ કરી હતી પરંતુ, મોટરસાયકલ મળી ન હતી. જેથી, બંને ગઠીયા બાઇક લઈને ફરાર થઈ ગયા હોવાથી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
આ બનાવને લઇ વડોદરા જિલ્લા એલસીબીની ટીમના પી.આઈ. કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના હે.કો મુકેશભાઇ તથા પો.કો અશોકભાઇ પાદરા નજીક સાંગમા કેનાલ પાસે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા. તે દરમિયાન શંકાસ્પદ મોપેડ આવતા ઝડપી પૂછપરછ કરી હતી. તેઓએ જણાવ્યું કે, આ મોટરસાયકલ 3 દિવસ પહેલા વડોદરા મનીષા ચોકડી પાસેથી ફરીયાદી વિષ્ણુભાઇ નાનજીભાઇ પરમાર (રહે-ગોકુળ વાટીકા, ડભોઇ-વાધોડીયા રીંગ રોડ, વડોદરા) પાસેથી આ મોટરસાયકલનો હપ્તો બાઉન્સ થયેલ છે. તેમ કહી ગઠિયા બેન્ક ફાયનાન્સના એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી મોટરસાયકલ પડાવી લીધી હતી.
વડોદરા ગ્રામ્ય એલસીબીએ ઝડપાયેલા આરોપીમાં ફૈઝાન જહાંગીરખાન પઠાણ (ઉ.વ-21 રહે-યાકુતપુરા, એમ.બી કોમ્પલેક્ષ-2, પટેલ ફળીયા નં-2, વડોદરા શહેર) અને આદીલ શેરમહંમદ પઠાણ (ઉ.વ-24 રહે-યાકુતપુરા, એમ.બી કોમ્પલેક્ષ-2, પટેલ ફળીયા નં-2, વડોદરા શહેર) ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે મોબાઈલ, રોકડ અને મોપેડ સાથે 63,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.