ડભોઇના કરનાળી સ્થિત કુબેર ભંડારીધામ રાષ્ટ્ર પ્રેમના રંગે રંગાયું: તિરંગાનો શણગાર કરાયો

મંદિરના ચોકમાં તિરંગો રાષ્ટ્ર ધ્વજ આન, બાન અને શાનથી લહેરાયો

MailVadodara.com - Kuber-Bhandaridham-at-Karnali-Dabhoi-painted-in-the-color-of-national-love-decorated-with-tricolor


વડોદરા જિલ્લાના  ડભોઇ તાલુકાના કરનાળી ગામે આવેલા વિશ્વના એકમાત્ર કુબેર ભંડારીધામ ખાતે મહા શિવરાત્રી સહિતના ધાર્મિક પર્વોની સાથે રાષ્ટ્રીય તહેવારોની પ્રેરક ઉજવણી કરવાની પરંપરા છે.


તદનુસાર, આજે 77મા સ્વતંત્રતા પર્વે વહેલી સવારે મંદિરના ગર્ભ ગૃહમાં આરતી બાદ રાષ્ટ્રગીત જન ગણ મનના ગુંજારવથી માતૃભૂમિની વંદના કરવામાં આવી હતી. આજે આખો દિવસ મંદિરના શિખરે કુબેરેશ્વર શિવની ભગવી ધજાની સાથે મંદિર ચોકમાં તિરંગો રાષ્ટ્ર ધ્વજ આન, બાન અને શાનથી લહેરાયો હતો. મંદિરના ચોકમાં પ્રબંધક રજનીભાઇ પંડ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો ત્યારે પુરોહિતો અને ભાવિકોએ ભગવાન શિવના દર્શન જેટલી જ તન્મયતાથી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.


રજનીભાઇ પંડ્યાએ જણાવ્યું કે, આજે દૈનિક પૂજાની સાથે વેદ સમ્હિતાના દશમા અધ્યાયના ચોથા શ્લોકના મંત્રોચાર દ્વારા રાષ્ટ્ર કલ્યાણનો અનુરોધ ભગવાન શિવને કરવામાં આવ્યો હતો. તેની સાથે સ્વતંત્ર ભારત એક અને અખંડ રહે, સૌના વિચારોમાં એકતા સધાય અને પ્રગતિશીલ અને સુરક્ષિત ભારત માટે હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી. કુબેર ભંડારી મંદિરના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાના હસ્તે ચાણોદ હોમગાર્ડસ યુનિટ અને કરનાળી પોલીસ ચોકી ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામના અગ્રણીઓ પોલીસ અને હોમગાર્ડઝના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share :

Leave a Comments