- ઉત્તરાયણના પર્વને લઈ 58 સંસ્થાના 900 સ્વયંસેવકો ઘાયલ પક્ષીઓને સારવાર આપશે
- 10 સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે, વનવિભાગ દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર
આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને વડોદરા શહેર તથા જિલ્લામાં તારીખ 10થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવશે. તેમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને સારવાર આપી બચાવવામાં આવશે. આ માટે કુલ 58 રિસ્પોન્સ કમ કલેક્શન સેન્ટર બનાવવા આવ્યા છે. આ અભિયાનમાં 58 સંસ્થાના 900થી પણ વધુ સ્વયંસેવકોને જોડવામાં આવશે.
કલેકટર અતુલ ગોરની અધ્યક્ષતામાં ઉકત અભિયાન માટે મળેલી બેઠકમાં એવી વિગતો રજૂ થઈ હતી કે, વડોદરા શહેરમાં ત્રણ સહિત કુલ 10 સારવાર કેન્દ્ર કાર્યરત છે. અહી ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવશે. તેની સાથે 2 કરુણા એમ્બ્યુલન્સ, એક સ્વેચ્છિક સંસ્થાની વાન પણ સેવા આપશે.
ગત ઉત્તરાયણ વખતે ચાલેલા અભિયાનમાં 1082 પક્ષી ઘાયલ થયા હતા અને તેમાંથી 999 પક્ષીને બચાવી લેવામાં સફળતા મળી હતી. આમ છતાં 83 પક્ષીના મૃત્યું થયા હતા. જેમાંથી મોટા ભાગના કબૂતરો હતા. મકરસંક્રાંતિના બપોર બાદ અને તે પછીના બે દિવસ ઘાયલ પક્ષી મળી આવ્યા હતા.
આ વખતે પશુપાલન વિભાગ દ્વારા 1962 કરુણા એમ્બ્યુલન્સ પાંચ ઝોન બનાવી તહેનાત રાખવામાં આવી છે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા 8320002000, 9429558883, 18002332636 જાહેર કરવામાં આવ્યો છે. જેના ઉપર ફોન કરવાથી ઘાયલ પક્ષીને સારવાર માટે મદદ મળશે. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકામાં આ કામગીરી કરવામાં આવશે. આ બેઠકમાં નાયબ વન સંરક્ષક યજ્ઞેશ્વર વ્યાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.