કારેલીબાગના શ્રી ગણેશ મંડળે ડાંગરના સૂકા ઘાસના 400 પુડામાંથી બનાવેલી શ્રીજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

વડોદરા શહેરમાં ઠેર-ઠેર ઉજવાતા ગણેશ ઉત્સવમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ચલણ વધ્યું

MailVadodara.com - Karelibaugs-Shree-Ganesh-Mandal-made-an-idol-of-Shreeji-made-from-400-pods-of-dry-paddy-grass-and-became-the-center-of-attraction

- ઘાસના પૂડામાંથી બનેલા શ્રીજીની 10 દિવસ સ્થાપના કરાશે, ત્યાર બાદ કૃત્રિમ તળાવમાં ચરણ સ્પર્શ કરાવી મૂર્તિને પાછી લાવી ઘાસના પુડા છુટા પાડી તેને ગૌશાળા અને પાંજરાપોળમાં અપાશે


વડોદરા શહેર ઉત્સવપ્રિય નગરી છે ત્યારે તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે. આવનાર ગણેશોત્સવને લઇ શહેરમાં તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. વિવિધ ગણેશ મંડળના પ્રતિનિધિઓ અવનવા ગણેશજીની પ્રતિમાઓ પોતાના પંડાલમાં ધામધૂમથી લાવવામાં આવી રહી છે. ત્યારે આજના સમયમાં પી.ઓ.પી મૂર્તિઓ વચ્ચે ઇકોફ્રેન્ડલી મૂર્તિનું ચલણ પણ જોવા મળી રહ્યું છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ વલ્લભનગર સોસાયટીમાં શ્રી ગણેશ મંડળ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન પી.ઓ.પીની મૂર્તિથી પાણી પ્રદૂષિત થતું હોવાથી પર્યાવરણના જતન માટે ડાંગરના સૂકા ઘાસના પુડામાંથી 13 ફૂટ ઉંચી સુંદર શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી છે જે ખૂબ આકર્ષક છે. 

વડોદરા શહેરમાં ઠેર-ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને 80થી 90 ટકા મૂર્તિઓ પીઓપીની હોય છે. આ મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે પરંતુ તે ઓગળતી નથી અને પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે. એટલે શ્રી ગણેશ મંડળના યુવકો દ્વારા આ બાબતે વિચાર કરી એવી મૂર્તિનું સર્જન કરીયે કે તેનું યોગ્ય રીતે વિસર્જન થઈ શકે અને પર્યાવરણને નુકસાન પણ ન થાય. ઘાસના પૂડામાંથી બનાવેલ ગણેશજીની મૂર્તિને અમારા પંડાલમાં 10 દિવસ સુધી સ્થાપના કરીશું અને ત્યારબાદ કૃત્રિમ તળાવમાં વિસર્જન અર્થે લઇ જઈશું અને ત્યાં ચરણ સ્પર્શ કરી મૂર્તિને પછી લાવવામાં આવશે. બાદમાં આ મૂર્તિને તૈયાર કરવામાં જે કઈ ઘાસના પુળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે છુટા પાડવામાં આવશે. બાદમાં આ પૂડાને ગૌશાળા અને પાંજરાપોળ જેવી સંસ્થાઓમાં આપી દેવામાં આવશે જેથી કરી ઘાસચારો ઉપયોગમાં લઇ શકાય.

આ અંગે શ્રી ગણેશ મંડળના મિતલ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે ડાંગરના સૂકા ઘાસમાંથી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે. અમે શ્રી ગણેશ મંડળ દ્વારા વર્ષ 2010થી ક્રિએટિવ મૂર્તિની સ્થાપના કરી રહ્યા છીએ. જ્યારે વર્ષ 2016થી ઇકો ફ્રેન્ડલી હોમમેડ ગણેશજીની સ્થાપના કરી રહ્યા છીએ. પહેલા અમે ઘાસ, વાંસ, કાગળ ન્યૂઝ પપેરના વેસ્ટમાંથી બનાવતા હતા ત્યારબાદ નારિયેળના છોતરાંમાંથી મૂર્તિ બનાવી હતી. આ વર્ષે ડાંગરના ઘાસના પૂડામાંથી ગણેશજીની 13 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરી છે. આ મૂર્તિ બનાવવા માટે 350થી 400 ઘાસના પુડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 


વધુમાં જણાવ્યું હતું કે, આ ગણેશજીની સ્થાપના કરવા માટે 400 જેટલા ઘાસના પુળાનો ઉપયોગ કર્યો છે. આ માટે બે મહિના પહેલા મહેનત શરૂ કરી હતી. ત્યારબાદ વર્ષની પટ્ટી, સુતરી, કાથીના ઉપયોગ થકી આ પૂડાને બાંધવામાં અને ગૂંથવામાં આવ્યા છે. આ મૂર્તિ તૈયાર કરવામાં લગભગ 5 હજાર જેટલો ખર્ચ થયો છે. 


આ મનમોહક શ્રીજીની મૂર્તિનું નિર્માણ મંડળના સ્વયંસેવકો અને બાળકો દ્વારા રાત-દિવસ મહેનત કરી કરવામાં આવ્યું છે. ડાંગરના ઘાસના પૂડામાંથી બનાવેલ ગણેશજીની 13 ફૂટ ઊંચી મૂર્તિ બનીને તૈયાર થઈ ગઈ છે. હાલ મૂર્તિની આસપાસ સુંદર ડેકોરેશન કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જયારે આ મૂર્તિનું વિસર્જન પણ અનોખી રીતે કરવામાં આવનાર છે. વિસર્જન દરમિયાન મૂર્તિ પર પાણીનો છંટકાવ કરી ત્યારબાદ ઘાસના પૂડા ગૌશાળામાં ગાયોનો ચારા માટે આપી દેવામાં આવશે જે એક પર્યાવરણના જતન સાથે સેવાનું કર્યા પણ કરવામાં આવશે.

Share :

Leave a Comments