- છ હજારનું એક ગ્રામ હેરોઇનના ઇન્જેકશન મુકવાના પાંચસો રૂપિયા અલગથી વસુલ થાય છે..
- રાત્રી બજાર સામે ખુલ્લા પ્લોટમાં ધોળે દહાડે ખાનદાની નબીરાઓ હેરોઇનનો નશો કરવા આવે છે..
વડોદરામાં માદક દ્રવ્યો એટલે કે ડ્રગ્સનું દુષણ યુવાધનને ભરડામાં લઈ રહ્યું છે. ડ્રગ્સના દુષણ ને ડામવા પોલીસના પ્રયાસો વચ્ચે શહેરના ભદ્ર વિસ્તારોમાં નશાના સપ્લાયરો પડકાર રૂપ બની રહ્યા છે. વાંચો અમારો વિશેષ અહેવાl "મોંધો નશો અને સસ્તી ઝીંદગી..."
સંસ્કારી નગરી વડોદરાને દારૂ ના દુષણ બાદ હવે ડ્રગ્સ નું ગ્રહણ લાગી ગયું છે. શહેરના યુવા ધનને વિવિધ પ્રકારના માદક દ્રવ્યોનું ઝેર નશાના રૂપમાં આપી વ્યસની બનાવવામાં આવી રહ્યા છે. અમે આજે તમને જે હકીકતથી તમને વાકેફ કરવા જઈ રહ્યા છે એના પર ધ્યાન આપજો, અને ખાસ કરીને એ માં-બાપ આ સમાચાર ખાસ વાંચજો જે માત્ર ભૌતિક સુખ આપવાથી બાળક હોશિયાર બની જશે એવી ભ્રામકતા માં જીવે છે. આવા માં -બાપ ખાસ ધ્યાન આપે કે ક્યાંક તમારો લાલ કોઈ જગ્યાએ આવા ચૂંગાલનો શિકાર તો નથી થયો ને ? વડોદરા શહેરમા નશાના કાળા કારોબારનો પર્દાફાશ પોલીસ છાશવારે કરે છે, આમ છતાં માદકદ્રવ્યોનો વેપલો બંધ થતો નથી. વડોદરા શહેરના ભદ્ર ગણાતા કારેલીબાગના વુડા સર્કલ નજીક આવેલી ખુલ્લી જમીન પર ધોળે દહાડે ડ્રગ્સનું સેવન થાય છે.
'મેઈલ વડોદરા' શહેરના ભદ્ર વિસ્તારમાં ચાલતા ડ્રગ્સ ના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમે તપાસ કરતા ચોકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી. યુવાનો ઈન્જેકશન દ્વારા ડ્રગ્સ લેતા હોવાના દ્રશ્યો અમને મળતા અમે, આ વિસ્તાર જે પોલીસ મથકમાં આવેલો છે એ હરણી પોલીસ મથકના પો. ઈ. સી. બી. ટંડેલનો સંપર્ક કર્યો હતો. પો. ઈ. ટંડેલે વીડિયો ને આધારે પ્રાથમિક તપાસ કરતા સ્ફોટક વિગતો સપાટી પર આવી હતી. રાત્રી બજારની સામે ટ્રાફિકથી ધમધમતા રોડને અડીને આવેલા આ પ્લોટમાં ધોળે દહાડે બપોરના બે વાગ્યાના સુમારે યુવાધન અહીં હેરોઇનનો નશો કરવા આવે છે.
હેરોઇન એ માદક દ્રવ્ય છે જેના એક ગ્રામ ની કિંમત છે રૂપિયા છ હજાર.. હેરોઇનને ઇન્જેકશનના રૂપ માં લેવામાં આવે છે. ડ્રગ્સના ઇન્જેકશન આપવા એક મહિલા આવે છે, જે એક ઈન્જેકશન આપવાના રૂપિયા પાંચસો લે છે. આમ હેરોઇનનું એક ઇન્જેક્શન રૂપિયા છ હજાર પાંચસોનું થાય છે. અહીં ખાનદાની નબીરા પણ આવે છે જે કારમાં બેસી રહે છે અને મહિલા કારમાં જઈ ઇન્જેકશન આપે છે. જાણકારો મુજબ વારંવાર હાથમા ઈન્જેકશન લેવાથી નસ પકડાતી નથી એટલે છેવટે ઈન્જેકશન જાંઘ લેવા પડે છે.
અહીં સવાલ એ છે કે આટલુ મોંધુ હેરોઇન લાવે છે કોણ ? આ યુવાનો કોણ છે ? નશાના ઝેરનો વેપલો અહીં કેટલા સમય થી ચાલી રહ્યો છે ? આટલા મોધાદાટ ડ્રગ્સ માટે યુવાનો નાણાં લાવે છે ક્યાંથી ? ધોળે દહાડે ચાલતા નશાના કાળા કારોબારની જાણ પોલીસને કેમ ના થઈ ?
યુવાધનને હેરોઇન જેવા ખતરનાક ડ્રગ્સના ભરડામાં લઈ તેમની ઝીંદગી બરબાદ કોણ કરી રહ્યું છે..? નશાનો વેપલો કરનાર તત્વોનો વ્યાપ કારેલીબાગ સિવાય અન્ય ક્યાં વિસ્તારોમાં ફેલાયો છે..? આવા અનેક સવાલોનો જવાબ શોધવા શહેર પોલીસ વિભાગ ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પો. ઈ. વિવેક પટેલ તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે.