વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પર પડતા ખાડા અને ભુવાનું પુરાણ કરવામાં વેઠ ઉતારવામાં આવે છે, તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે.
શહેરના કારેલીબાગ જીવન ભારતી સ્કૂલ, ચાર રસ્તા સર્કલ પાસે અગાઉ એક ભુવો પડ્યો હતો અને તેનું ચાર દિવસ અગાઉ રીપેરીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ચાર દિવસમાં જ ફરી પાછું પુરાણ બેસી ગયું છે અને ત્યાં ખાડો પડવાની શરૂઆત થઈ છે. જમીનમાં નીચે સેટલમેન્ટ થતાં ફરી પાછો અહીં ભુવો પડશે તેવું જણાઈ રહ્યું છે. જ્યારે અહીં ભુવો પડ્યો તે પછી પુરાણની કામગીરી કરવાની હતી તેમાં ભુવામાં મટીરીયલ નાખીને પુરાણ કરવાને બદલે ઉપરથી માત્ર ડામર પાથરી દઈ વેઠ ઉતારી દેવામાં આવી છે, તેનો આ પુરાવો છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં જ્યાં પણ રોડ, પાણી, ગટર વગેરેની કામગીરી માટે ખોદકામ કરે છે, ત્યારબાદ પુરાણ કરવામાં કાળજી રાખતું નથી અને ફરી પાછો ત્યાં ખાડો પડી જાય છે. જેમાં મટીરીયલનો બગાડ થાય છે, અને એકની એક કામગીરીનો બીજી વખત ખર્ચ થાય છે, તેમજ લોકોને ખાડાના કારણે અકસ્માત થવા ભય પણ રહે છે. કોર્પોરેશનની સમગ્ર સભામાં ખોદકામ પછી ચરી પુરાણની કામગીરી બરાબર કરવામાં આવતી નથી તે અંગે અવારનવાર મુદ્દા ઉઠતા રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તેમાં કોઈ સુધારો લાવવામાં આવ્યો નથી.