- ભૂતકાળમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ પર ગેસનો બાટલો ફેંકાયો હતો
- દારૂની રેડ કરવા ગયેલા કારેલીબાગના કહેવાતા જાંબાઝ ડી-સ્ટાફ ને લુખ્ખાઓએ ઘેરી-ઘેરીને માર્યા હતા
- કારેલીબાગ પોલીસ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થતા પોલીસ મથકના આખા સ્ટાફની બદલી કરવામાં આવી હતી
વડોદરા શહેરમાં કાયદા અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી હત્યાની ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે કારેલીબાગ પોલીસ સ્ટેશન નો વિસ્તાર ગુન્હેગારો માટે સ્વર્ગ સમાન છે.
વડોરા શહેરના કારેલીબાગ પોલીસ મથકની હદમાં આવતા કેટલાક વિસ્તારો ગુન્હેગારો માટે સ્વર્ગ સાબિત થઈ રહ્યા છે. ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારના પુત્રને માથાભારે બાબર પઠાણે પોલીસની હાજરીમાં રહેંસી નાખ્યો. પોલીસ નિષ્કાળજીએ એક યુવાનનો ભોગ લીધો. પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારના પુત્ર તપનની નિર્મમ હત્યા ને પગલે લોકોમાં કારેલીબાગ પોલીસ વિરુદ્ધ આક્રોશ છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ એક્શન લઈને બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા. આ આખા ઘટનાક્રમ બાદ સવાલ એ છે કે શું કારેલીબાગ પોલીસ મથકનો વિસ્તાર ગુન્હેગારો માટે સ્વર્ગ સાબિત થઈ રહ્યો છે ?
કારેલીબાગ પોલીસની છબી ખરડાઈ ગઇ છે ત્યારે લોકો આ પોલીસ પ્ર ભરોસો કેવી રીતે કરે ? દારૂ જુગારના અડ્ડા અને અસમાજિક પ્રવૃત્તિ માટે કુખ્યાત થઇ ગયેલા કેટલાક વિસ્તારોમાં કારેલીબાગ પોલીસ લાચાર અને સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે. કારેલીબાગ પોલીસનો ઇતિહાસ વગોવાયેલો છે. ભૂતકાળમાં કાસમઆલા કબ્રસ્તાનમા દબાણો હટાવવા ગયેલા સ્થાયી સમિતિના તત્કાલીન અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલ પર માથાભારે તત્વોએ રાધણ ગેસનો બોટલ ફેંક્યો હતો. સદ્દનસીબે અધ્યક્ષ બચી ગયા હતા. આ સિવાય ભૂતકાળમાં કારેલીબાગના ડી-સ્ટાફના જવાન દેવેન્દ્ર દારૂની રેડ કરવા ગયા હતા ત્યારે લુખ્ખા તત્વોએ તેના પર અને સાથી કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ બનાવની ગંભીર નોંધ લેવાનું પોલીસે ટાળ્યું હતું. ભૂતકાળમાં કારેલીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર રૂ. ૭૫ હજારની લાંચ લેતા ઝડપાયા હતા. આ સિવાય વર્ષ ૨૦૨૨ ના ફેબ્રુઆરી માસમાં કારેલીબાગ પોલીસ પર આક્ષેપો થતા તત્કાલીન પોલીસ કમિશનરે કારેલીબાગના સ્ટાફની બદલી કરી હતી. આમ કારેલીબાગ પોલીસની કામગીરીની કુંડળી નબળી રહી છે. સમયાંતરે કારેલીબાગ પોલીસની કામગીરીની સમીક્ષા થાય છે. ઇન્સ્પેકશન થાય પણ થાય છે ,તો શું ઉચ્ચ અધિકારીઓને કારેલીબાગના કાળા ઇતિહાસની માહિતી નહિ હોય ? શું મુઠ્ઠીભર માથાભારે તત્વોથી કારેલીબાગ પોલીસ થર થર કાંપે છે ? મુઠ્ઠીભર માથાભારે તત્વો કારેલીબાગ પોલીસ પર હાવી છે ? આવા ઘણા સવાલો કારેલીબાગ પોલીસ સામે ઊભા થાય છે.