- અચાનક કામ છોડી દેનાર ઘરકામ માટે આવતી મહિલા પર ચોરીની શંકા!
શહેરના વેમાલીમાં પતિની સારવાર માટે રોજ બહાર જતી મહિલાની ગેરહાજરીનો લાભ ઉઠાવી ઘરકામ માટે આવતી મહિલા રૂપિયા 1.૮૮ લાખના દાગીના સેરવી ગઇ હોવાની આશંકા સાથે ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વેમાલીમાં આશિર્વાદ રેસિડેન્સીમાં રહેતા શાંતાબેન રમણભાઇ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિને લકવાની સારવાર ચાલતી હોવાથી હું તેમને રોજ ફિઝિયોથેરાપી કરાવવા લઇ જઉં છું, જ્યારે મારી પુત્રવધૂને પુત્રનો જન્મ થયો હોવાથી તે પિયરમાં રહેતી હતી. આ સમય દરમિયાન ઘરમાં લાકડાના કબાટમાં મૂકેલ રૂપિયા ૧.૮૮ લાખ કિંમતના દાગીના મૂકેલા એક પાકિટની ચોરી થઇ હતી.
આ ચોરી અંગે મને મારા ઘરે અગાઉ ઘરકામ માટે આવતી બાદમાં અચાનક કામ છોડી દેનાર અસ્મિતાબેન પર શંકા જતાં દાગીના લીધા હોય તો આપી દે તેમ કહેતા અસ્મિતાએ મેં ચોરી કરી નથી તેમ કહ્યું હતું. જો કે અસ્મિતાએ અમારી સોસાયટીમાં અન્ય ઘરેથી પણ કામ છોડી દીધું હોવાનું જણાતા તેમના પર ચોરીની શંકા પાકી થઇ હતી. ઉપરોક્ત વિગતો અંગે મંજુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.