વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તસ્કરો બેફામ બન્યા છે. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જંબુબેટ રોડ પર આવેલ બંધ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ મળીને 4.40 લાખની મત્તાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે રાવપુરા પોલીસે ફરિયાદ નોંધને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.
વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા દીપ ભોલાભાઈ કહાર (ઉ.29)એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા મિત્રના લગ્નમાં ગયો હતો અને ત્યાથી રાત્રીના 1 વાગ્યે મારા ઘરે આવ્યો હતો અને મારા લગ્ન ગઇ તા.16/02/2025ના રોજ હતા, જેથી ફરસાખાનાના સામાન મારા ઘરની બહાર પાડ્યો હતો, જે રાત્રીના 1 વાગ્યે ફરાસખાના માણસો લેવા માટે આવ્યા હતા, તે વખતે ફરાસ ખાનાવાળાની 3 ખુરશી મારા નીચેના ગ્રાઉન્ડ ફલોરમા આવેલ રૂમમાં પડી હતી, જે મે ફરાસખાનાવાળાને કાઢી આપી હતી, જેઓ તેમનો સામાન લઇને જતા રહ્યા હતા, જે બાદ મે ગ્રાઉન્ડ ફ્લોરને તાળુ મારી અમારા જ ફળીયામાં આવેલ અમારા બીજા મકાને હુ સુવા માટે ગયો હતો.
ત્યારબાદ સવારના 8 વાગ્યે મારા મમ્મી પદમાબેન દૂધ લેવા ગયા હતા, તે વખતે અમારા મકાનનો દરવાજો ખુલ્લો જોયો હતો અને દરવાજાનો તાળાનો નકુચો કોઇએ તોડી નાખ્યો હતો. જેથી તાત્કાલિક મારા મમ્મી ઘરે આવીને અમને જગાડીને જાણ કરી હતી. જેથી, અમે જોવા ગયા હતા તો અમારા મકાનનો દરવાજો ખુલ્લો હતો અને તાળાનો નકુચો તુટેલી હાલતમાં હતો. જેથી, અમે અંદર જઇને જોતા સર સામાન વેરવિખેર પડેલો હતો.
રૂમની અંદર લોખંડની તીજોરીના દરવાજા ખુલ્લા હતા તેમજ તીજોરીનો સામાન વીખેરાયેલો હતો તેમજ તીજોરીનું લોકર પણ ખુલ્લુ હતું. તે લોકરમાં મૂકેલી 30 ગ્રામ સોનાની લક્કી, 49.50 ગ્રામ સોનાની મગ માળા તથા 40 હજાર રૂપિયા મળ્યા નહોતા. આમ કુલ 4.40 લાખનું મત્તાની ચોરી થઈ હતી. જેથી, મેં આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.