- જવાહરનગરની 'શી' ટીમે એકલવાયું જીવન જીવતા ૭૬ વર્ષના ડાહીબેનના ઝુંપડામાં વીજ કનેકશન કરી આપ્યું
- ડાહીબેનને દર મહિને અનાજ-કરિયાણાની પણ વ્યવસ્થા કરી આપી
પોલીસનું નામ પડે એટલે કોઈ પણ વ્યક્તિના મનમાં ડર ઉભો થાય.. જો કે જવાહરનગર પોલીસની પ્રસંશનીય કામગીરીએ એક નિરાધાર વૃદ્ધા માટે આધાર બનીને "પોલીસ પ્રજાનો મિત્ર"ના સૂત્રને સાર્થક કરી બતાવ્યું...
આમ તો પોલીસથી કુખ્યાત ગુન્હેગારો પણ થર-થર કાપતા હોય છે. પોલીસનું કામ આમ તો કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું છે. પરંતુ આજના સમાજમાં પોલીસ એક બીજી ભૂમિકા પણ ભજવે છે. ક્યારેક દેવદૂત બનતી પોલીસ જયારે નિરાધારોનો આધાર બને ત્યારે પ્રજાનો પોલીસ પ્રત્યેનો આત્મવિશ્વાસ વધે છે. વડોદરા શહેરમાં સિનિયર સિટીજનોની મદદ માટે શી ટીમ હંમેશા તત્પર રહે છે. જવાહરનગર પોલીસ મથકની શી ટીમે એક નિરાધાર વૃદ્ધાને મદદ કરી તેનો આધાર બની પ્રેરણાસ્ત્રોત બની છે.
બાજવાના કરચીયામાં આવેલા પાર્વતીનગરમાં રહેતા ૭૬ વર્ષના ડાહીબેન પઢીયાર એકલવાયું જીવન જીવે છે. નિરાધાર વૃદ્ધા મજૂરી કરીને પેટીયું રળે છે અને એક ઝુંપડા જેવા મકાનમાં રહે છે. ગરીબ હોવાને કારણે ઝુંપડામાં લાઈટ નથી. અંધારામાં રાત વિતાવતા ડાહીબેનની દયનિય પરિસ્થિતિની જવાહરનગર પોલીસને જાણ થઈ. જવાહરનગર પો. ઈ એમ. એન. શેખે શી ટીમને ડાહીબેનની મદદ કરવા સૂચના આપી. શી ટીમના જિગીષાબેને વૃદ્ધા ના ઘરમાંથી અંધકાર દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા અને વીજ કંપનીના અધિકારીઓનો સંપર્ક કર્યો.
જિગીષાબેનના પ્રયાસોથી પ્રેરાઈને વીજ કંપનીએ ડાહીબેનના ઘરમાં વીજ જોડાણ કરી આપ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે વીજ જોડાણ માટે જરૂરી આર્થિક સહાયથી માંડી દસ્તાવેજી સહાય માટે શી ટીમને ઘણી મહેનત કરવી પડી. વીજ જોડાણ સાથે શી ટીમે ડાહીબેનને દર મહિને જરૂરી અનાજ-કરિયાણાની પણ વ્યવસ્થા કરી આપી. આમ છેવટે અંધકારમાં નિરાધાર બનેલા ડાહીબેનના વૃદ્ધાવસ્થામાં શી ટીમ પ્રકાશ બનીને આવી. જવાહરનગર પોલીસ મથકની શી ટીમે ડાહીબેન જેવા અન્ય નિરાધાર વડીલોને સહાય કરવાનું બીડું ઝડપ્યું છે.