- ઇજાગ્રસ્ત સાધ્વીજીને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, સમાજના લોકો હોસ્પિટલ દોડી આવ્યા
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નેશનલ હાઇવે પર આવેલ દેથાણ ગામ પાસે પાલેજ તરફ 13 જેટલા જૈન સાધ્વીઓ વિહાર કરી રહ્યા હતા. દરમિયાન ભરૂચથી વડોદરા તરફ પૂરપાટ પસાર થઇ રહેલી એક ટ્રકે સાધ્વીજીને અડફેટમાં લેતા ગંભીર ઇજા પામ્યા હતા. ઇજાગ્રસ્ત સાધ્વીજીને હાલ વડોદરામાં ખાનીગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવ અંગે કરજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે 28 વર્ષીય જૈન સાધ્વીજી જ્ઞેય દર્શના વહેલી સવારે પાલેજથી 13 જેટલા જૈન સાધ્વીઓ સાથે ચાલતા વિહાર કરી મેઘદૂત જીન ફેક્ટરી ખાતે વિસામા સારૂ નિકળ્યા હતા. તે સમયે જૈન સાધ્વીજી જ્ઞેય દર્શનાને પુરપાટ પસાર થઇ રહેલી પાછળથી ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર વાગતા જ સાધ્વીજી રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા અને ગંભીર રીતે ઇજા પામ્યા હતા.
સાધ્વીજીને ટ્રક ચાલક ટ્રક મારી ફરાર થઇ ગયો હતો. દરમિયાન બનાવની જાણ વિહાર કરી રહેલા સાધ્વીઓને થતાં તેઓ દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત સાધ્વીજીને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને વડોદરા ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલ તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
વહેલી સવારે બનેલા આ બનાવની જાણ સમાજના લોકોને થતાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને કરજણ પાસે અવાર-નવાર વિહાર કરી રહેલા સાધ્વીઓને નડી રહેલા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે તેઓને તંત્રને પણ યોગ્ય રસ્તો વિચારવા માંગ કરી હતી. આ અકસ્માતમાં ઇજા પામેલા સાધ્વીજીને ડાબા પગની ઘૂંટીના ભાગે તેમજ માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.
જૈન સમાજમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે કરજણ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અને ફરાર થઇ ગયેલા ટ્રક ચાલકની ટ્રકના નંબરના આધારે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.