એકતાનગરમાં ખરાબ રસ્તાને કારણે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન ન કરવાનો જય ભીમ યુવક મંડળનો નિર્ણય

આજવા રોડ એકતાનગરના સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત બાદ પણ રસ્તો ન બન્યો

MailVadodara.com - Jai-Bheem-Yuvaka-Mandal-decision-not-to-dislodge-Shreejis-statue-due-to-bad-road-in-Ektanagar

- યુવક મંડળના કાર્યકરોએ કહ્યું કે, ખરાબ રોડ-રસ્તાના કારણે મૂર્તિ ખંડિત થવાનો ડર લાગી રહ્યો છે, જેથી હવે આવતા વર્ષે વિસર્જન કરીશું


વડોદરા શહેરમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ઠેર-ઠેર સ્થાપના કરવામાં આવી છે. દસ દિવસ સુધી સ્થાપિત થયેલ શ્રીજીનુ તા. 17 મીના રોજ વિસર્જન કરવામાં આવશે. ત્યારે આજવા રોડ એકતાનગર ખાતે જય ભીમ યુવક મંડળ દ્વારા આ વખતે રોડ-રસ્તાના ઠેકાણા નહિ હોવાથી આ વર્ષે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન ન કરવાનો નિર્ણય કર્યો છે. ગણેશ મંડળના કાર્યકરોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક કાઉન્સિલરો અને વોર્ડ ઓફિસમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તો બનાવવામાં આવ્યો નથી. મૂર્તિ ખંડિત થવાનો ડર લાગી રહ્યો છે, જેથી હવે આવતા વર્ષે વિસર્જન કરીશું.


શહેરના આજવા રોડ ઉપર આવેલા એકતાનગર સ્થિત આંબેડકર નગર મરાઠી મહોલામાં જય ભીમ ગણેશ યુવક મંડળના અગ્રણી હરીશભાઈ રાણેએ જણાવ્યું હતું કે, 1984થી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. એક મહિનાથી અમે કોર્પોરેશનમાં રજૂઆત કરીએ છીએ કે ગણપતિ બપ્પાનું આગમન કરી રહ્યા છે, રસ્તાઓનું સમારકામ કરી આપો. તંત્ર દ્વારા માત્ર વાયદા કરવામાં આવ્યા છે. પરંતુ ગણેશજીનું આગમન પણ થઈ ગયું અને વિસર્જન કરવાનો પણ દિવસ આવી ગયો છે, છતાં રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની પ્રતિમાને અન્ય વિસ્તારોમાંથી ફેરવી લઈને આવ્યા છે, પણ હવે વિસર્જન વખતે અહીંથી જતા જતા રસ્તો એટલો ખરાબ છે કે પ્રતિમા ખંડિત થશે તેવો ડર લાગી રહ્યો છે. આથી અમારા મંડળના તમામ લોકોએ અમારે આ વર્ષે શ્રીજીનું વિસર્જન કરવું નથી. આવતા વર્ષે અમે વિસર્જન કરીશું. અથવા જ્યારે કોર્પોરેશન રોડ રસ્તા વ્યવસ્થિત બનાવશે, ત્યારે અમે વિસર્જન કરીશું, પણ આનંદ ચૌદસના દિવસે શ્રીજીનું વિસર્જન નહીં કરીએ.


જય અંબે ગણેશ મંડળના પરેશભાઈ અને કાર્યકરોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમે સ્થાનિક કાઉન્સિલરોને પણ રસ્તો બનાવવા માટે રજૂઆત કરી હતી, છતાં રસ્તો બનાવવામાં આવ્યો નથી. આથી અમે વિઘ્નહર્તાને આવતા વર્ષે વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. અમે વિઘ્નહર્તાને પ્રાર્થના કરીએ છે કે, અમારા વિસ્તારના સત્તાધીશોને સદબુદ્ધિ આપો. જેથી અમારા વિસ્તારનો રસ્તો બનાવે. રસ્તાઓ સારા ન હોવાથી અમે અમારા મંડળે પણ આવતા વર્ષે શ્રીજીનું વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. અમે આખું વર્ષ શ્રીજીની સેવા કરીશું.

Share :

Leave a Comments