- ફૂડ બિઝનેસ ઓપરેટરોએ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે
વડોદરા શહેર વિસ્તારમાં યોજવામાં આવતા ગરબા મહોત્સવમાં તમામ ફૂડ સ્ટૉલ ધારકોએ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ લાયસન્સ/રજિસ્ટ્રેશન મેળવી લેવા સુચીત કરવામાં આવે છે. તેમજ ગરબા ગ્રાઉન્ડની આસપાસ તમાકુ, પાન-મસાલાની જાહેરાત દંડનીય ગુનો બને છે જેથી તે નહીં મૂકવા તમામ ગરબા આયોજકો તેમજ ફૂડ સ્ટૉલ ધારકોને સૂચના આપવામાં આવે છે.
વડોદરા શહેર વિસ્તારમાં આગામી નવરાત્રિ તહેવારમાં શહેરમાં વિવિધ જગ્યાએ ગરબાનાં આયોજન સાથે વિવિધ ખાણી-પીણીનાં સ્ટૉલ પણ રાખવામાં આવતા હોય છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ટેમ્પરરી ફૂડ સ્ટૉલ ધારકોએ પણ નિયમ મુજબ FSSAI લાયસન્સ/રજિસ્ટ્રેશન મેળવવાનું હોય છે. આથી વડોદરા શહેરનાં તમામ ગરબા આયોજકોને સૂચના અપાશે કે, જે તે સ્થળે સ્ટૉલ ધરાવતા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને તાત્કાલિક ધોરણે FSSAI લાયસન્સ/રજિસ્ટ્રેશન મેળવી લેવાનાં રહેશે. અન્યથા સ્ટૉલ ધારકો તેમજ ગરબા આયોજકની સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ માટે www.foscos.fssai.gov.in વેબસાઇટ ઉપર જઇ Apply for New License/Registration નાં પોર્ટલ ઉપર ઓનલાઇન કાર્યવાહી કરી લાયસન્સ મેળવી લેવા તમામ ફૂડ સ્ટૉલ ધારકોને સુચીત કરવામાં આવે છે. આ બાબતે કોઇ પણ તકલીફ પડે તો ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યની કચેરી, રૂમ નં. 1 ગ્રાઉન્ડ ફ્લોર, જુના રસીકરણ વિભાગની સામે, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, રાજમહેલ રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે.
આરોગ્ય શાખાનાં ફૂડ સેફટી ઓફીસરોની ટીમો દ્વારા નવરાત્રિ દરમ્યાન દરેક સ્થળે આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોઇ, જે તે ગરબાનાં ફૂડ સ્ટૉલ દ્વારા લાયસન્સ મેળવેલ નહી હોય તેમજ ફૂડ સ્ટૉલની અંદર તેમજ ફૂડ બનાવવાની જગ્યાએ શિડ્યુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવામાં નહી આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ ગરબા આયોજકોએ નોંધ લેવી. વધુમાં ગરબાનાં સ્થળોએ તમાકુ તેમજ પાન-મસાલા બાબતે તમાકુ નિયંત્રણ ધારા મુજબ ખોટી રીતે તમાકુ તેમજ પાન-મસાલાની જાહેરાત ન કરવા પણ સુચનાં આપવામાં આવે છે. અન્યથા તમાકુ નિયંત્રણ ધારા હેઠળ દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.