- ગાર્બેજ કલેક્શન કરનારાઓ નિયમ મુજબ વ્હિસલ વગાડવાની કે ગાડીમાં સ્પીકર ચાલુ રાખવાનું હોવા છતાં ચાલુ ન રાખતા હોવાની રહીશોની બૂમો!
વડોદરા શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરનારાઓ પોતપોતાની રીતે ખુલ્લેઆમ મનમાની ચલાવી કોઈપણ સમયે ગાર્બેજ કલેક્શન માટે નીકળી પડે છે. ઉપરાંત વ્હિસલ સહિત સ્પીકર પણ ચાલુ રાખતા નથી. જેથી અનેક ગૃહિણીઓ વહેલી સવારે પોતાના ઘરનો કચરો ડોર ટુ ડોર વાહનને આપવાના બદલે ઓવરબ્રિજ નીચે અથવા જાહેર રસ્તા પર ઠેર ઠેર ફેંકી દેતા હોય છે. આ અંગે કોન્ટ્રાક્ટરોએ ગાર્બેજ કલેક્શન વાહન હંકારનારાઓને ચીમકી આપવી જરૂરી છે જે અંગે તાજેતરમાં મળેલી કોર્પોરેશનની સમગ્ર સભામાં સભ્યોએ રોષ ઠાલવ્યો હતો.
સ્માર્ટ સિટી વડોદરામાં ઘેર ઘેર થી કચરો એકત્ર કરવાનો કોન્ટ્રાક્ટ પાલિકા દ્વારા આપવામાં આવ્યો છે. જેથી કોન્ટ્રાક્ટર પોતાના માણસો સાથે વાહન રાખીને ઘરે ઘરેથી કચરો એકત્ર કરતા હોય છે. પરંતુ કચરો એકત્ર કરતા કેટલાય વાહનચાલકો પોતાની મનમાની ચલાવતા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.
પાલિકા દ્વારા ઘરે-ઘરે થી કચરો એકત્ર કરવા માટે કોન્ટ્રાક્ટરને મોસમોટું બિલ ચુકવે છે. જ્યારે કોન્ટ્રાક્ટર ગાર્બેજ કલેક્શન કરનાર વાહન ચાલકોને કોઈ રોકટોક કરતા નથી. કેટલાય વિસ્તારમાં ગાર્બેજ કલેક્શન વાનવાળા પોતાની મરજી મુજબ નીકળી પડતા હોય છે. મજાની વાત તો એ છે કે ગાર્બેજ કલેક્શન કરનારાઓ જાણે કે વાન લઈને ફરવા નીકળ્યા હોય એવી રીતે ઘર પાસેથી પસાર થઈ જતા હોય છે અને નિયમ મુજબ વ્હિસલ વગાડવાની પણ તસદી લેતા નથી. આ ઉપરાંત પોતાની વાન પર સતત સ્પીકર વગાડવાનું હોવા છતાં પણ આવા ડ્રાઇવરો પોતાની મનમાની ચલાવી સ્પીકર પણ ચાલુ રાખતા નથી. પરિણામે કેટલીય ગૃહિણી પોતાના ઘરનો એકત્ર કરેલો ભીનો સુકો કચરો ગાર્બેજ કલેક્શન વાનને આપી શકતા નથી. જેના કારણે આવો કચરો બે-ત્રણ દિવસનો ભેગો થતા તેમાંથી ભારે દુર્ગંધ આવે છે અને રોગચાળાની ભીતિ પરિવારને સતત સતાવતી રહે છે.
જેથી ઘરની કોઈ વ્યક્તિ કામકાજ કે નોકરી ધંધા છે બહાર જતી હોય ત્યારે ઘરની ગૃહિણી આવા ભીના સુકા કચરાની થેલી તેમના વાહન પર લટકાવી દેતી હોય છે. ભીના સુકા કચરાની દુર્ગંધ મારતી કચરાની આવી થેલી બહાર જતી વ્યક્તિ જાહેર રસ્તા પર કે પછી ઓવરબ્રિજ નીચે નાખી દેતી હોય છે. આમ પાલિકાની ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની યોજના સારી છે પરંતુ આ બાબતે કોન્ટ્રાક્ટરે વાનચાલકો પાસેથી પ્રત્યેક ઘરની વ્યક્તિ પાસે આ બાબતે અભિપ્રાય મંગાવવો જરૂરી છે.