- વોકેથોન રેલીમાં મોટી સંખ્યામાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ પોસ્ટર-બેનર સાથે રેલીમાં જોડાયા, પોલીસ વિભાગના અધિકારીઓ પણ જોડાયાં
- શહેર પોલીસ કમિશનર તેમજ ડીસીપીઓએ ફ્લેગ ઓફ કરાવી વોકેથોનને પ્રસ્થાન કરાવ્યું
વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઈલીસીન્ટ ટ્રાફિકિંગ ડે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની સાથે પોલીસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. સાથે સમાજિક સંસ્થાઓ પણ જોડાઇ હતી અને ડ્રગ્સના દૂષણને ડામવા પોસ્ટર બેનર સાથે રેલી યોજી જાગૃતિ લાવવા માટેનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શહેર પોલીસ દ્વારા શહેરના સયાજી બાગ ગેટ નંબર-2થી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિતના અધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું. આ વોકેથોન એમ.એસ. યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે સમાપ્ત થઈ હતી. આ અવરનેસ પ્રોગ્રામ દ્વારા સમાજમાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટેનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સ્કૂલોમાં બાળકો સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક પખવાડિયાથી વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ નાબૂદ કરવાનું જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, આજે એન્ટિ ડ્રગ્સ ડે છે. જેના ભાગરૂપે ઘણી બધી શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને શહેરના નાગરિકો સાથે એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 14 દિવસથી વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આ કાર્યક્રમો આપણે કરી રહ્યા છીએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સમાજના અન્ય સભ્યો માટે ખાસ મેસેજ આપવા માગીએ છીએ. આ માટે પોલીસ તો કામગીરી કરી રહ્યું છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા સતત ડ્રગ્સના દૂષણ સામે અવારનવાર કામગીરી કરવામાં આવતી હોય છે. સાથે જ ડ્રગ્સ અવરનેસ પ્રોગ્રામ થકી વિવિધ સ્કૂલોમાં કાર્યક્રમ કરી અને જાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે આજે ખાસ દિવસ છે ત્યારે પોસ્ટર બેનર સાથે વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, શહેરના નાગરિકો, અધિકારીઓ સાથે મળી એક પદયાત્રામાં યોજી વ્યસનમુક્ત વડોદરા થાય તેવો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.