વડોદરા જિલ્લામાં બંધ પડેલા બોરવેલ અને ટયુબવેલમાં નાનાં બાળકો પડી જવાના બનાવો ન બને તે માટે સુરક્ષા હેતુસર આવા ખુલ્લા વેલને ઢાંકી દેવા મેટલકેપ લગાડવા સૂચના અપાઇ છે.
બીજીબાજુ આવા બનાવો ન બને બોરવેલ તથા ટયુબવેલમાં પડી જવાથી અકસ્માતો નિવારવા જરૂરી પગલાં લેવા નિવાસી અધિક કલેકટરે બોર અને કૂવાઓની કામગીરી અનુસંધાને ગ્રામ્ય તાલુકા અને જિલ્લાસ્તરે નોડલ અધિકારીની નિમણૂક કરી છે. આ કામગીરી માટે જિલ્લાના નોડલ અધિકારી તરીકે કાર્યપાલક ઇજનેર, સિચાઇ વિભાગ (પંચાયત), તાલુકા કક્ષાએ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાએ ગામના તલાટી કમ મંત્રીની નોડલ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
નોડલ અધિકારીઓએ તેમના કાર્યક્ષેત્ર હેઠળના બંધ પડેલા બોરવેલ અને ટયુબવેલ માટે મેટલ કેપ લગાવવા તથા અન્ય વ્યવસ્થાથી બંધ પડેલા બોરવેલ અને ટયુબવેલ બંધ કરાવવા સહિતના જરૂરી સલામતીના પગલાં લઇ કામગીરીનો અહેવાલ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસને મોકલી આપવા કહ્યું છે.