- દિવાળી પૂર્વે રત્નમ ગ્રુપ, સિદ્ધેશ્વર, ન્યાલકરણ અને શ્રીમયી બિલ્ડર ગ્રુપમાં ITએ દરોડા પાડ્યા, કરોડોનું બિનહિસાબી કાળુ નાણું બહાર આવી શકે
દિવાળીના તહેવાર પૂર્વે શહેરના ચાર બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે ગઈકાલથી દરોડા પાડ્યા છે. જેમાં રત્નમ ગ્રુપ, સિદ્ધેશ્વર, ન્યાલકરણ અને શ્રીમયી બિલ્ડર ગ્રુપનો સમાવેશ થાય છે. આ ચારેય ગ્રુપ અને આર્કિટેક્ટને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની દરોડાની કાર્યવાહી આજે બીજા દિવસે પણ ચાલુ છે. આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરોના બેંક એકાઉન્ટો અને બેંક લોકરો સીઝ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જવેરાત અને રોકડ સીઝ કરી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, કરોડોનું બિન હિસાબી કાળુ નાણું બહાર આવે તેવી શક્યતા છે.
વડોદરા શહેરના જાણીતા એવા ચાર બિલ્ડર ગ્રૂપને ત્યાં આવકવેરાના અધિકારીઓની અલગ-અલગ ટીમોએ સામૂહિક દરોડાની કામગીરી ગઈકાલે વહેલી સવારથી શરૂ કરી હતી. વડોદરા શહેરના હરણી મોટનાથ મંદિર પાસે શરૂ કરવામાં આવેલી રત્નમ ગ્રૂપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના ભાગીદારોના નિવાસસ્થાન તેમજ વુડા સર્કલ પાસે આવેલી ઓફિસ સહિત 20 જેટલા સ્થળો ઉપર તેમજ ભાયલી સેવાસીમાં સ્કિમો કરનાર કોટયાર્ડના શેઠ બ્રધર્સ, હાઇવે બાયપાસ રોડ પર સ્કીમ કરનાર ન્યાલકરણ ગ્રૂપ સિદ્ધેશ્વર અને શ્રીમયી ગ્રૂપ સહિત તેમના પાર્ટનરોના નિવાસસ્થાન તેમજ ઓફિસો ખાતે ગઈકાલે શરૂ થયેલી આવકવેરા વિભાગના દરોડાની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત ચાલુ રહી હતી. રત્નમ ગ્રૂપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાયનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.
આવકવેરા વિભાગે ગઈકાલે વહેલી સવારથી શરૂ કરેલી કામગીરીમાં 150થી વધુ અમદાવાદ સુરત અને વડોદરાના આવકવેરાના અધિકારીઓની અલગ-અલગ ટીમો કામગીરી કરી રહી છે. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે ચાર બિલ્ડર ગ્રૂપના ભાગીદારો તેમજ તેમની સાથે સંકળાયેલા ફાઈનાન્સરોની ઓફિસે તેમજ તેમના નિવાસ્થાને મળી 20 થી વધુ જગ્યાઓ પર સામુહિક દરોડાની કામગીરી ચાલી રહી છે. આ દરોડા દરમિયાન આવક વિભાગની ટીમોએ બેનામી નાણાકીય વ્યવહારો ની માહિતી તેમજ બિલ્ડર ગ્રૂપ દ્વારા જમીનોની લે-વેચ અને તેમાં થયેલા બેનામી વ્યવહારોની માહિતી મેળવી છે સાથે-સાથે મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. એટલું જ નહીં કોમ્પ્યુટરો તેમજ અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આ દરમિયાનમાં ગઈકાલે (બુધવારે) સવારે આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે સમા-સાવલી રોડ પર રહેતા એક બિલ્ડરના નિવાસ્થાને દરવાજા ખટખટાવ્યા હતા અને બિલ્ડરના પુત્રએ અધિકારીઓને જોઈને ઘરમાં મુકેલા કેટલીક જમીનોના દસ્તાવેજી પુરાવા અને હિસાબોની ફાઈલ પાણીની ટાંકીમાં ફેંકી દીધા હતા. જેની જાણ આવકવેરા વિભાગને થતા કર્મચારીઓએ તાત્કાલિક પાણીની ટાંકીમાંથી તે પુરાવા જપ્ત કરી સૂકવવાની કામગીરી કરવી પડી હતી. મળેલી માહિતી પ્રમાણે, મૂળ દરોડા વડોદરામાં પાડવામાં આવ્યા છે, તેમની સાથે સંકળાયેલા લોકોના અમદાવાદ તથા સુરત ખાતે પણ દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં ચારથી પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ દરોડાની કામગીરી વધુ દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. આ બિલ્ડર ગ્રુપ હોવાથી તેમની સાથે સંકળાયેલા લોકોમાં અન્ય ધંધા સાથે સંકળાયેલા લોકો જેવા કે લેમીનેશન વગેરે ધંધાર્થીઓનો સમાવેશ થાય છે.