- કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી CCTVની મદદથી 1.50 લાખથી વધુ ઈ ચલણ જનરેટ કર્યા
- ભારદારી વાહનો સહિત ટ્રાફિક ભંગ કરતા 8000 વાહનોને ડિટેઇન કરાયાં
વડોદરા શહેર ટ્રાફિક પોલીસે વર્ષ 2023 કરતા વર્ષ 2024 દરમિયાન 640 ટકા વધારે કામગીરી કરી છે. આ ઉપરાંત દોઢ લાખથી વધુ ઇ ચલણ જનેરેટ કર્યા છે અને સ્થળ ઉપર જ 4 કરોડથી વધુ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને વારંવાર ટ્રાફિક ભંગ કરતા 8000 વાહનો ટ્રાફિક પોલીસે ડિટેઇન કર્યા છે.
વડોદરા ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરની જનતા રસ્તા ઉપર સુરક્ષિત રીતે ફરી ફરી શકે અને રોડ એક્સિડન્ટમાં ઘટાડો થાય તે માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે વર્ષ 2023 કરતા વર્ષ 2024 દરમિયાન 640 ટકા વધારે કામગીરી કરી છે. વડોદરા મહાનગરપાલિકા, NHAI અને RTO સહિતની એજન્સીઓ સાથે સંકલનમાં રહીને અકસ્માત ઘટાડવા માટે અમે કામગીરી કરી છે. જેને કારણે વર્ષ 2023 કરતા વર્ષ 2024માં ફેટલ એક્સિડન્ટમાં 10%નો ઘટાડો થયો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2024માં પોલીસ પોઇન્ટ પર ઊભા રહીને 4 કરોડ રૂપિયા ઉપરાંતનો દંડ વાહનચાલકોને કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી CCTVની મદદથી 1,50,000થી વધુ ઈ ચલણ જનરેટ કરવામાં આવ્યા છે. વર્ષ 2024માં સ્કૂલ રીક્ષા, સ્કૂલ વાન અને ભારદારી વાહનો સહિત વારંવાર ટ્રાફિક ભંગ કરતા 8000 વાહનો ટ્રાફિક પોલીસે ડિટેઇન કર્યા છે. અમે વડોદરા મહાનગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટી સાથે મળીને અકસ્માતો ઘટાડવા માટે પ્રયાસ કરીએ છીએ. જ્યાં જરૂર ત્યાં ડિવાઈડર કટ ઓપન કર્યા છે અને બંધ પણ કર્યા છે. સર્કલને જરૂર હોય ત્યાં નાના અને મોટા કર્યા છે અને દબાણો પણ દૂર કર્યાં છે, જેથી કરીને અકસ્માતો રોકી શકાય.
તેઓએ ઉમેર્યું હતું કે, વર્ષ-2024માં જ્યાં જ્યાં અકસ્માતો થયા છે તેનું અમે એનાલિસિસ કરી રહ્યા છીએ. જ્યાં વધારે અકસ્માત થયા હશે ત્યાં અમે વડોદરા મહાનગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટી સાથે મળીને વિઝીટ કરીશું. અકસ્માતો ઘટાડવા માટે જે પગલાં ભરવાના થશે તે પગલાં ભરીશું. વર્ષ 2025માં લોકોના જીવ ન જાય અને લોકોને નુકસાન ન પહોંચે તે માટે તમામ પ્રયાસ કરીશું.