- વૈભવી સુવિધાને જરૂરિયાતમાં ખપાવવાતા શાશકો જવાબ આપો; ગરીબ ભુલકાઓનો વાંક શું..?
- કોરોના સમયથી ગરીબ બાળકોને મળતાં તલ અને સીંગદાણાના લાડુ સહિત દૂધ બે વર્ષથી બંધ છે
વડોદરા શહેરના શાશકો ના ખાડે ગયેલા શાશનમાં ગરીબ ભૂલકાઓને આંગણવાડીમાં મળતો પૌષ્ટિક આહાર કોરોના કાળ થી બંધ થઈ ગયો છે. પોતાના માટે નવી કાર થી માંડી ઓફિસમા રીનોવેશન કરાવવા અઢળક નાણાં ઉડાવતા શાસકોને ગરીબ ભૂલકાઓના સ્વાસ્થ્યની લગીરે ચિંતા નથી.
વડોદરાના પ્રસિદ્ધિ ભૂખ્યા શાસકો તેમના ભાષણોમાં ગરીબોના હિમાયતી હોવાના દાવા કરે છે. પરંતુ ખરેખર શાસકો ગરીબોના કેટલા હિમાયતી છે એ સૌ કોઈ જાણે છે. શાશકોના દાવાની પોલ ખોલતા પુરાવા છાશવારે પ્રકાશમાં આવે છે. વડોદરા શહેરમાં મહાનગર પાલિકા સંચાલિત ૩૪૯ જેટલી આંગણવાડી છે. જે પૈકીની ૨૦૦ જેટલી સરકારી ઇમારતો માં ચાલે છે જયારે ૧૪૯ આંગણવાડી ખાનગી ઇમારતો મા ભાડાના મકાનમાં ચાલી રહી છે. વર્ષ ૨૦૨૦ માં કોરોના આવ્યો તે પહેલા આંગણવાડીમાં આવતા બાળકોને પાલિકા તરફથી પૌષ્ટિક આહાર આપવામાં આવતો હતો. આ પૌષ્ટિક આહારમાં તલના અને સિંગદાણાના લાડુ તથા દૂધ વિગેરે અપાતું હતું. કોરોનાને કારણે પૌષ્ટિક આહાર બંધ કરવામાં આવ્યો હતો. કોરોના બાદ લગભગ દોઢ થી બે વર્ષથી પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને જનજીવન રાબેતા મુજબ નું થઈ ગયું છે. જો કે ગરીબ બાળકોને અપાતો ખાસ પૌષ્ટિક આહાર આજે પણ બંધ છે. તમને જાણી ને નવાઈ લાગશે છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી આંગણવાડી ના બાળકોને શક્તિ વર્ધક આહાર પીરસતો નથી. હા, બાળકોને અક્ષયપાત્ર સંસ્થા તરફથી આવતું ભોજન જરૂર મળે છે.
અમને મળેલી માહિતી મુજબ ૪૦૦ જેટલાં બાળકો અતિ કુપોષિત ની શ્રેણીમાં આવે છે. જો કે પાલિકાના શાશકો આ વાતનો કોઈ રંજ હોય તેમ લાગતું નથી
બીજી તરફ તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ પર મુકાયેલા અર્પિત સાગર આ બાબતે ગંભીર છે. તેમણે બાળકોને અપાતો પૌષ્ટિક આહાર પૂર્ન શરૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.
પાલિકામાં કોંગ્રેસના નેતા અમી રાવત શાસકો ને ગરીબ બાળકો પ્રત્યે સંવેદનશીલ થવાની ટકોર કરી રહ્યા છે. સરકાર ગરીબ બાળકો પ્રત્યે સંવેદનશીલ છે ત્યારે આ બાબતે દુર્લક્ષ સેવાતા શાશકો સામે સવાલો ઉઠે એ સ્વાભાવિક છે. અહીં સવાલ એ છે કે કોરોના બાદ ગરીબ બાળકો પ્રત્યે દુર્લક્ષ કેમ સેવવામાં આવ્યું? શું બાળકો નો વાંક એટલો જ છે કે તેઓ ગરીબ છે ? પોતાના માટે સુવિધાને જરૂરિયાત ગણવતા શાશકોને સેવકો કેવી રીતે કહેવાય ? શું આ છે સૌનો સાથ, સૌનો વિકાસ ? પગાર સહિત સુવિધાઓ વધારવાના મુદે ભાજપ સાથે હમ સાથ સાથ હૈ રહેતી કોંગ્રેસ પણ દોઢ વર્ષથી કેમ ચૂપ રહ્યું ? આવા અનેક સવાલો આજના કહેવાતા સ્માર્ટ શાશન સામે મ્હોં ફાડીને ઉભા છે.