વડોદરાની એક મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી ઓનલાઈન ઠગોએ 61 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો બનતા સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોત્રી વિસ્તારમાં રહેતી શીતલ નામની મહિલાએ પોલીસને કહ્યું હતું કે, ઓગસ્ટ 2024માં મને પાટીલ નામની વ્યક્તિએ ફોન કરી મારા નામે આઇસીઆઇસીઆઇ બેન્કમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે અને તેમાં 25 લાખનો ફ્રોડ થયેલો છે... તેમ કહી સાયબર સેલના અધિકારી અજય બંસલને ફોન ટ્રાન્સફર કર્યો હતો.
સાયબર સેલના અધિકારીએ પ્રાથમિક વાતચીત કર્યા બાદ તેમના ફોટા સાથેનું કાર્ડ મોકલતા મને વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ તેમણે સાયબર સેલના ડીસીપી મિલિંદ સર સાથે વાત કરાવી હતી. મિલિંદ નામની વ્યક્તિએ મારી પાસે બેન્ક એકાઉન્ટ સહિતની તમામ વિગતો મેળવી હતી અને તપાસ નહીં થાય ત્યાં સુધી ગવર્મેન્ટ સુપરવિઝનમાં તમામ નાણા તેમજ એફડી રહેશે તેમ કહ્યું હતું.
મહિલાએ કહ્યું છે કે, સાયબર સેલના અધિકારી ના નામે વાત કરતા અજય તેમજ મિલિંદે વિડીયો કોલ કટ નહીં કરવા ખાસ સુચના આપી હતી અને તેઓ તપાસમાં સહયોગ ના નામે ઘેર આવી ધરપકડ કરવા સાથેની ધમકી આપતા હતા. જેથી તેમના કહેવાથી મેં મારી બેન્ક એકાઉન્ટની રકમ તેમજ એફડીની 61 લાખ જેટલી રકમ જુદા-જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી.