- આજવામાં છેલ્લા 24 કલાકમાં 72 મીમી અને સીઝનનો 665 મીમી વરસાદ નોંધાયો
છેલ્લા બે ત્રણ દિવસથી એક મહિનાના વિરામ બાદ વરસાદની સિઝન જામતા થયેલા વરસાદને લીધે વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ઐતિહાસિક આજવા સરોવરમાં છેલ્લા 36 કલાકમાં આશરે સવા ફૂટ નવું પાણી આવ્યું છે. આજે સવારે આજવા સરોવરનું લેવલ 210.75 ફૂટ હતું. આ લેવલ ગઈકાલે 209.50 ફૂટ હતું. ગુજરાતમાં જુલાઈ મહિનામાં અતિ ભારે વરસાદ ત્રાટકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને તે પછી છેલ્લા એકાદ મહિનાથી વરસાદ ખેંચાયો હતો, પરંતુ છેલ્લા બે દિવસથી મેઘરાજાની પધરામણીથી ચિત્ર પલટાઈ ગયું છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં પણ સપાટી ઘટીને 209.50 ફૂટ થઈ ગઈ હતી. ગયા વર્ષ કરતા આજની સ્થિતિએ આજવા સરોવરમાં પાણી આશરે બે ફૂટ ઓછું થઈ ગયું હતું.
આજવામાં છેલ્લા 24 કલાકમાં 72 મીમી વરસાદ થયો છે, જ્યારે સીઝનનો કુલ વરસાદ 665 મીમી થયો છે. આજવાના ઉપરવાસમાં પ્રતાપપુરા સરોવરમાં હાલ લેવલ 226.30 ફૂટ છે. પ્રતાપપુરામાં પણ 24 કલાકમાં 72 મીમી વરસાદ થયો છે, અને સીઝનનો કુલ વરસાદ 820 મીમી પડ્યો છે. એ જ પ્રમાણે ધન્સર વાવમાં 24 કલાકમાં 75 મીમી વરસાદ ખાબકયો છે, અને સીઝનનો કુલ વરસાદ 872 મીમી થઈ ચૂક્યો છે. હાલોલમાં 86 મીમી વરસાદ થતાં મોસમનો કુલ વરસાદ 820 મીમી થયો છે. ઉપરવાસના આ બધા વિસ્તારોનું પાણી આજવા સરોવરમાં ઠલવાય છે. આજવા સરોવરમાં પાણી ઠાલવતી આસોજ ફીડર સવારે આઠ ફૂટે ચાલુ હતી, એટલે કે આજવામાં સરોવરમાં હજુ પાણીની સપાટી વધશે. જોકે સવારથી વરસાદ નથી. ગયા વર્ષે તો 18મી જુલાઈએ જોરદાર વરસાદ થતાં આજવા સરોવરમાં પાણીનું લેવલ 211 ફૂટથી પણ ખૂબ જ વધી જતા આજવા સરોવરના 62 દરવાજામાંથી ઓવરફ્લો ચાલુ થઈ ગયો હતો અને પંદર દિવસ સુધી ઓવરફ્લો ચાલુ રહ્યો હતો, જ્યારે આ વર્ષે હજુ 62 દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ નથી
સરકારના નિયમ મુજબ આજવા સરોવરમાં તારીખ 30 સપ્ટેમ્બર સુધી 212.50 ફૂટ થી વધુ પાણી રાખી શકાતું નથી. આમ છતાં હવામાનની આગાહી અને ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાતો હોય છે. આજવા સરોવરમાંથી વડોદરા શહેરને 14.5 એમએલડી પાણી પૂરું પાડવામાં આવે છે.