- ટ્રક ભરીને લારી-ગલ્લા કબજે કરાયાં, વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા કે, ફરીવાર આ પ્રકારે દબાણ હશે તો વધુ કડક કાર્યવાહી કરાશે
વડોદરા શહેરમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા વધતી જોવા મળી રહી છે. ક્યાંક પોલીસ વિભાગ દ્વારા તો ક્યાંક કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરી અડચણરૂપ બનતા વાહનો અને દબાણો દૂર કરવામાં આવતા હોય છે. આજે મહાનગરપાલિકા દ્વારા રસ્તા રેષામાં અને ફૂટપાથો ઉપર થયેલા ગેર કાયદેસર લારી-ગલ્લાના દબાણો દૂર કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરના પાણીગેટથી છીપવાડ તરફના ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાની અલગ-અલગ ટીમો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકતા વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. આ કામગીરીને લઈ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
વડોદરાના પાણીગેટથી ભદ્ર કચેરી સુધીના વિસ્તારમાં રસ્તા ઉપર અને ફૂટપાથ ઉપર કરવામાં આવેલા લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાની દબાણ શાખા દ્વારા ભદ્ર કચેરી પાસેથી ટ્રક ભરીને લારી-ગલ્લા કબજે કરવામાં આવ્યા હતા. સાથે વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા કે, ફરીવાર આ પ્રકારે દબાણ હશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ફતાભાઇ પી. બારીયાએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગપાલિકાના વહિવટી વોર્ડ નં-14માં પાણીગેટ દરવાજાથી ભદ્રકચેરીથી છીપવાડ સુધીના લારી-ગલ્લાના દબાણો તેમજ શેડના દબાણો દૂર કરવાનો કાર્યક્રમ નક્કી થયો હતો. જેને લઇને વોર્ડનો સ્ટાફ, સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને દબાણ શાખાને સ્ટાફને સાથે રાખીને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 3 લારીઓ કબજે કરવામાં આવી છે અને કામગીરી ચાલી રહી છે.
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા છેલ્લા કેટલાય સમયથી રસ્તા ઉપર અને ફૂટપાથ ઉપર કરાયેલા દબાણો દૂર કરવાની શરૂ કરવામાં આવેલી ઝૂંબેશના પગલે રોડ ઉપર અને ફૂટપાથ ઉપર રહેલ લારી-ગલ્લા અને નડતર રૂપ શેડને હટાવવાની કામગીરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.