વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના 7 ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂપિયા 1.52 કરોડની સૈદ્ધાંતિક મંજુરી

પાદરાના 6 અને શિનોરના 1 ધાર્મિક સ્થળોનો થશે વિકાસ : આર.આર.રાવલ

MailVadodara.com - In-principle-sanction-of-Rs-1-52-crore-for-development-of-7-religious-places-at-village-level-in-Vadodara-district

- દેવસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તોને મુખ્યમંત્રીએ મંજુરી આપી, અગાઉ ચાર તીર્થસ્થાનોના કામો માટે 7.45 કરોડ મંજુર કરાયા હતા

વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના 7 નાના-મોટા દેવસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તોને મુખ્યમંત્રીએ મંજુરી આપી છે. આ દરખાસ્ત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ગ્રામ્ય શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્રો એવા પાદરાના 6 અને શિનોરના એક દેવસ્થાનોના વિકાસની આ દરખાસ્તને મંજુરી આપી દીધી છે.

જીપીવાયવીબીના સચિવ આર.આર.રાવલે જણાવ્યું કે બોર્ડને વડોદરા જિલ્લાના અલગ-અલગ સંસ્થાઓ/ટ્રસ્ટો તરફથી નાના-નાના તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળી હતી. બોર્ડે આ દરખાસ્તો મુખ્યમંત્રી સમક્ષ મૂકી હતી. મુખ્યમંત્રીએ આ દરખાસ્તો ઉપર વિચારણા કરી વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના નાના-નાના 7 દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા 1.52 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. 

મુખ્યમંત્રી દ્વારા વડોદરા જિલ્લાના જે દેવસ્થાનોના સર્વાંગી વિકાસ માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે, તેમાં સરકાર હસ્તકના વડોદરા નજીક પાદરા તાલુકાના ચાણસદ ગામે આવેલા શ્રી લાલજી મહારાજ મંદિર ખાતે રૂપિયા 10.17 લાખના વિકાસ કામો, ડભાસા ગામે આવેલું શ્રી રણછોડજી મંદિર ખાતે રૂપિયા 11.22 લાખના વિકાસ કામો, આમળા ગામે આવેલું શ્રી મુરલીધર મંદિર ખાતે રૂપિયા 13.23 લાખના વિકાસ કામો, ઉમરાયા ગામે આવેલું શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂપિયા 13.78 લાખના વિકાસ કામો, મોભા ગામે આવેલું શ્રી દુર્ગેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂપિયા 27.65  લાખના વિકાસ કામો અને અંબાડા ગામે આવેલું શ્રી નરસિંહજી મંદિર ખાતે રૂપિયા 25.95  લાખના વિકાસ કામો કરવામાં આવશે. આમ, સરકાર હસ્તકના આ 6 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂપિયા 1.02 કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા માલસર ગામે આવેલું શ્રી સત્યનારાયણ મંદિર ખાતે રૂપિયા 50 લાખના વિકાસ કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ વડોદરા શહેર અને જિલ્લાના ચાર તીર્થસ્થાનોના કામો માટે રૂપિયા 7.45 કરોડ મંજુર કર્યા હતાં. જીપીવાયવીબીના સચિવ આર.આર.રાવલે આશાવાદ વ્યક્ત કર્યો કે ઉપરોક્ત મંજુરી મળતા વડોદરા જિલ્લાના ધાર્મિક સ્થાનોનો વિકાસ વેગવંતો બનશે. એટલું જ નહી, સ્થાનિક શ્રધ્ધાળુઓની આસ્થા પણ દૃઢ થશે.

Share :

Leave a Comments