- ટ્રાફિક પોલીસે વાહનચાલકો પાસેથી રૂપિયા 7.30 લાખ દંડ વસૂલ્યો
વડોદરા શહેરમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા અને ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરતા વાહન ચાલકો સામે વડોદરા પોલીસે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે, જેમાં એક અઠવાડિયામાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા અને ચાલુ વાહને મોબાઇલ વાત કરતા 7425 વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી 6135 ઇ-ચલણ જનરેટ કરવામાં આવ્યા છે. કુલ 7.30 લાખ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં ગત 29 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન 27 પોઇન્ટો પર કડક કાર્યવાહી કરીને ટ્રાફિક નિયમનું પાલન ન કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક નિયમન સરળતાથી થઇ શકે તે માટે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. કેટલાક લોકો ભયજનક રીતે વાહનો ચલાવે છે. જેથી પોલીસે 27 પોઇન્ટ પર પોલીસ સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું છે અને વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રોંગ સાઇડ પર જતા ટુ-વ્હીલર ચાલકો પાસેથી 1500 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. તેમની પાસેથી રોકડ અથવા ઓનલાઇન દંડ લેવાય છે અને તેમની પાસે પૈસા ન હોય તો પોલીસ ઇ-ચલણ પણ જનરેટ કરે છે. જ્યાં સીસીટીવી નથી, ત્યાં સ્થળ પર દંડ વસૂલવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 7425 વાહન ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ, ઓવર સ્પીડ, સિગ્નલ બ્રેક કરનાર વાહન ચલાવનાર વિરુદ્ધ કડક દંડનીય કાર્યવાહી શરૂ કરી છે અને જે સ્થળોને સીસીટીવી આવરી લેતા નથી તેવા 27 પોઈન્ટ પર 200 ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ટ્રાફિક નિયમન કરાવીને દંડનિય કાર્યવાહી કરી રહ્યા છે.