- પશ્ચિમ ઝોનમાંથી એક જ દિવસમાં કચરો ઠાલવતા 49 લોકોને પકડી રૂા.11 હજારનો દંડ વસૂલ કરાયો, દડની વસૂલાત રૂા.100થી 1000 સુધીની થશે
ગુજરાત રાજ્યમાં ગત 1 ઓક્ટોબરથી 90 દિવસ સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સ્વચ્છતા અભિયાન સંદર્ભે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈની કામગીરી કરવાની સાથે સાથે લોકોને જાહેરમાં જ્યાં ત્યાં કચરો નહીં ફેંકવા અને ચોખ્ખાઈ રાખવાની અપીલ કરવાની સાથે જ્યાં ત્યાં ગંદકી કરનારને પણ પેનલ્ટી વસૂલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડીની સુવિધા આપવા છતાં લોકો હજુ પણ બહાર રોડ પર જ્યાં ત્યાં કચરો ફેંકીને ગંદકી કરે છે. આવા લોકોને ડોર ટુ ડોરની ગાડીમાં કચરો નાખવાની તાકીદ કરવામાં આવી છે.
બીજી બાજુ શહેરના 19 વોર્ડમાં જ્યાં ઓપન સ્પોટ છે, એટલે કે ત્યાં ખુલ્લામાં લોકો કચરો ફેંકે છે, તે બંધ કરવા કહ્યું છે. આ માટે દરેક વોર્ડમાં મેન રોડ પર આવા 10 ઓપન સ્પોટ શોધી કાઢીને ત્યાં કચરો ફેંકવા આવતા લોકોને દંડ કરવા અને હવે પછી આ જગ્યાએ કચરો નહીં ફેંકવા સમજાવવા કહ્યું છે. દરેક વોર્ડમાં સેનેટરીની ટીમ સાથે બબ્બે સિક્યુરિટી ગાર્ડ પણ સાથે જોડાશે. 19 વોર્ડમાં 38 ગાર્ડ ફરજ બજાવશે, જેઓ દિવસ દરમિયાન આવી ખુલ્લી જગ્યા પર વોચ રાખશે અને કચરો ફેંકવા આવનાર લોકોને પકડશે.
આ ઉપરાંત દરેક વોર્ડમાં ખુલ્લી જગ્યામાં ઠલવાતા કચરાને એકત્રિત કરી લેવા માટે રાઉન્ડ ધ ક્લોક ટ્રેક્ટર પણ ફરતા રહેશે. દરેક વોર્ડને એક-એક ટ્રેક્ટર એક્સ્ટ્રા આપવામાં આવ્યું છે. આ કામગીરી ગઈકાલથી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના પશ્ચિમ ઝોનની વાત કરીએ તો ગઇકાલે જાહેરમાં કચરો ઠાલવતા 49 લોકોને પકડી લીધા હતા અને 11,100નો દંડ વસૂલ કર્યો હતો. દંડની વસુલાત સો રૂપિયાથી હજાર રૂપિયા સુધીની થઈ શકે છે. જો એક જ વ્યક્તિ વારંવાર કચરો ઠાલવવા આવશે તો તેની પાસેથી વધુ દંડ વસૂલ કરાશે.