વડોદરામાં બે યુવકોએ અમદાવાદ-મુંબઇ રેલવે ટ્રેક પર બિન્દાસ્ત રીતે ચાલી મોડેલિંગ કરતો વીડિયો બનાવ્યો

યુવાનો રિલ્સ બનાવવાની ઘેલછામાં રેલવે લાઇન પર વીડિયો શૂટ કરતા હોય છે

MailVadodara.com - In-Vadodara-two-youths-made-a-video-of-themselves-walking-and-modeling-on-the-Ahmedabad-Mumbai-railway-track

- વડોદરાના વડસર બ્રિજ પાસે અમદાવાદ-મુંબઇ રેલવે લાઇન પર બંને યુવાનો વીડિયોની સાથે સાથે ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા


યુવાધનને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે રીલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે, તેના માટે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. અમદાવાદ-મુંબઇ રેલવે લાઇન પર વડોદરાના વડસર બ્રિજ પાસે બે યુવાનો જોખમી રીતે રેલવે ટ્રેક પર ચાલતા, વીડિયો અને ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા. આ યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકીને મોડેલિંગ કરતા હોય તે પ્રકારના વીડિયો ઉતારતા જોવા મળ્યા હતા. રોજ ક્યાંકને ક્યાંક ટ્રેનની અડફેટે મોતના સમાચાર આવે છે, ત્યારે આવી જોખમી રીતે વીડિયો શૂટ કરીને યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.


અમદાવાદ-મુંબઇ રેલવે લાઇનને ખૂબ જ બિઝી રેલવે લાઇન માનવામાં આવે છે. અહીં દર 5થી 6 મિનીટે એક ટ્રેન પસાર થાય છે. વડોદરાના વડસર બ્રિજ પર ગઇકાલ સાંજે 6થી 7.30 વાગ્યા દરમિયાન 90 મિનીટમાં 16 ટ્રેનો ત્યાંથી પસાર થઈ હતી, છતાં આ 2 યુવાનો રેલવે ટ્રેક પર જોખમી રીતે વીડિયો ઉતારતા જોવા મળ્યા હતા. એક યુવાન જાણે મોડેલિંગ કરતો હોય તેવી સ્ટાઇલમાં ચાલતો જોવા મળ્યો હતો અને બીજો યુવાન તેનો વીડિયો ઉતારતો જોવા મળ્યો હતો. બંને યુવાનો વીડિયોની સાથે સાથે ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા.


વીડિયો અને ફોટોગ્રાફી કર્યાં પછી બંને યુવાનો 200થી 300 મીટર જેટલું રેલવે ટ્રેક પર ચાલતા જોવા મળ્યા હતા. આ રેલવે લાઇન ખૂબ બિઝી હોવા છતાં બંને યુવાનો પાછળ જોયા વિના જોખમી રીતે રેલવે ટ્રેક પર ચાલી રહ્યા હતા અને બંનેએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. યુવાનો રિલ્સ બનાવવાની ઘેલછામાં રેલવે લાઇન પર વીડિયો શૂટ કરતા હોય છે.


- આ રેલવે લાઇન પર દર 5-6 મિનિટે એક ટ્રેન પસાર થવા છતાં બંને યુવાનો પાછળ જાેયા વિના 200થી 300 મીટર રેલવે ટ્રેક પર ચાલતા જોવા મળ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, અઢી મહિના પહેલા સુરતના રેલ્વે સ્ટેશન નજીક ટ્રેક પર એક યુવાન રિલ્સ માટે વીડીયો બનાવવાના ચક્કરમાં તે એટલો મશગુલ થઇ ગયો હતો કે, તેને ભાન જ ન રહ્યું કે, રેલવે ટ્રેક પર ટ્રેન આવી રહી છે. રિલ્સની ઘેલછામાં બેદરકાર બનતા ટ્રેને તેને અડફેટમાં લઈ લીધો હતો અને ગંભીર ઈજાઓ થતા તે મોતને ભેટ્યો હતો. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.


આ ઘટના યુવાધન માટે લાલબત્તી સમાન ઘટના છે. હાલના સમયમાં યુવાધનને રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને ફેમસ થવાની ઈચ્છા હોય છે, જે માટે તે જોખમ લેતા પણ અચકાતા નથી. સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે જે હિસાબે રીલ્સ બનાવતા હોય છે અને સ્ટંટ કરતા હોય છે ત્યારે આ ઘટના યુવાનો માટે લાલબત્તી સમાન સાબિત થઇ છે.

Share :

Leave a Comments